ફિરંગીઃ લગાનની સસ્તી, પંજાબી આવૃત્તિ!

ફિલ્મઃ ફિરંગી

કલાકારોઃ કપિલ શર્મા, ઈશિતા દત્તા

ડિરેક્ટરઃ રાજીવ ઢિંગરા

અવધિઃ ૧૬૦ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★

બ્રિટિશ શાસનકાળ (અમિતાભ બચ્ચનનો સ્વર આપણને માહિતી આપે છેઃ (“આઝાદી સે પેહલે, સન ઉન્નીસ્સો ઈક્કીસ મેં, હંય”)માં પંજાબના ખોબલા જેવડા ગામની નદીકિનારે એક પ્રેમી યુગલ બેઠું છે. છોકરો ગજવામાંથી શ્વેત રંગનું ચોસલું કાઢીને છોકરીના હાથમાં મૂકતાં કહે છેઃ “લે, આ તારા માટે- હવેથી તું આનાથી નહાજે. એમ સમજ કે આ અંગ્રેજોની મૂલતાની માટી છે.” સુગંધી સાબુની સફેદ ગોટી જોઈને છોકરી આશ્ચર્યમાં ગરકાવ થઈ જાયઃ “અચ્છા? એટલે ગોરી મડમ આટલી ગોરી હોય છે…

જે જમાનામાં ગર્લફ્રેન્ડને આઈફોન ગિફ્ટ કરવામાં આવતો હોય એમાં સુગંધી સાબુ ગિફ્ટ કરવાવાળા આ એક ક્યૂટ લવ-સીનને બાદ કરતાં “ફિરંગી” ઑલમોસ્ટ આખી કંટાળાજનક બની રહે છે. આશુતોષ ગોવારિકરની “લગાન”ની સાતમી-આઠમી ઝેરોક્સ જેવી “ફિરંગી”ની મુશ્કેલી છેઃ નબળી પટકથા.

વાર્તા એવી છે કે બેકાર મંગતરામ (કપિલ શર્મા) પાસે હઠીલા પીઠદર્દને એક લાત મારીને ઠીક કરવાની તિલસ્મી કળા છે, જેનાથી ખુશ થઈને બ્રિટિશ અધિકારી ડેનિયલ (ઍડવર્ડ સોનેન્બ્લિક) એને પોતાનો ઑર્ડરલી બનાવી દે છે. મંગતરામને બાજુના ગામની સરગી (ઈશિતા દત્તા) સાથે સ્નેહ છે, પણ સરગીના ગાંધીવાદી દાદા (અંજન શ્રીવાસ્તવ)ને આ સંબંધ કતઈ મંજૂર નથી કેમ કે મંગત અંગ્રેજોની ગુલામી કરે છે. મંગતરામને નવાઈ લાગે છે, એને સમજ નથી પડતી આમાં પ્રોબ્લેમ શું છે? અંગ્રેજો કંઈ ખરાબ થોડી છે? દરમિયાન ડેનિયલ એ વિસ્તારના રજવાડાના રાજા (કુમુદ મિશ્રા) સાથે પાર્ટનરશિપમાં શરાબની જંગી ફૅક્ટરી નાખવાનો પ્લાન બનાવે છે, જેમાં સરગીનું આખેઆખું ગામ નડતરરૂપ છે એટલે રાજા યુક્તિપ્રયુક્તિથી ગામ ખાલી કરાવે છે. મંગતરામની અંગ્રેજો સારા હોય છે એ ભ્રમણા ભાંગે છે. એ અમુક ગામવાસીઓની મદદથી જમીનના કાગઝાત પાછા મેળવી બધું ઠીકઠાક કરવાની ગાંઠ બાંધે છે.

આમ લગાનમાં ભુવન (આમીર ખાન) ક્રિકેટટીમ બનાવી અંગ્રેજો સાથે મૅચ રમીને લગાન માફ કરાવે છે, જ્યારે અહીં મંગતરામ અમુક લોકો સાથે મળીને ગામની જમીનના દસ્તાવેજ પાછા મેળવવાની યોજના બનાવે છે. લગાન અધધધ લાંબી હોવા છતાં ચુસ્ત કથાપટકથા પ્રેક્ષકને સીટમાંથી હલવા દેતાં નહોતાં, જ્યારે અહીં ફિલ્મનું લેખન સાવ નબળું છે. ન કોઈ હ્યમુર, ન ચોટદાર સંવાદ. એક તબક્કે ફિલ્મ બોરિંગ બની જાય છે. મૂળ વાત પર આવવા કથાકથન ઘણો સમય લઈ લે છે, ત્યાં સુધીમાં પ્રેક્ષક બાપડો અધમૂઓ થઈ ગયો હોય છે.

કપિલ શર્મા તદ્દન અનફિટ છે આ રોલ માટે. આખી ફિલ્મ દરમિયાન એ ચહેરા પર એક જ હાવભાવ લઈને ફરે છે. ‘દ્રિશ્યમ’માં અજય દેવગનની પુત્રીના રોલમાં જબરું કાઠું કાઢનારી ઈશિતા દત્તાને ભાગે અહીં ઝાઝું કંઈ કરવાનું આવ્યું નથી. જો કે કપિલ શર્મા માટે આ ફિલ્મની સૌથી મોટી ઉપલબ્ધિ એ કે હવે એ ઍક્ટિંગના ધખારા છોડી પોતે જેને લાયક છે એની પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ સ્ટેન્ડ અપ કૉમેડી. બસ, કરોડો રૂપિયા ખર્ચીને શીખવામાં આવેલો આ અઘરો પાઠ એક સારી વાત છે ફિલ્મ વિશેની. બાકી…..

(જુઓ ‘ફિરંગી’નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=C3GiqcWF5QE