‘તુમ્હારી સુલુ’: દરેક ગૃહિણીનો અવાજ

ફિલ્મઃ તુમ્હારી સુલુ

કલાકારોઃ વિદ્યા બાલન, માનવ કૌલ, નેહા ધુપિયા

ડિરેક્ટરઃ સુરેશ ત્રિવેણી

અવધિઃ આશરે અઢી કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★ 1/2

“જીતના-હારના ઝ્યાદા ફરક નહીં પડતા, પર નિંબુ ચમ્મચ પર ઈન્ટેક્ટ રેહના ચાહીએઃ હાર-જીત ગૌણ છે, ચમચા પર લીંબુ ટકી રહે એ જ અગત્યનું છે.”

પહેલી નજરે મામૂલી લાગતા, પણ જબરદસ્ત પ્રેરણાદાયી એવા આ શબ્દ છે સુલોચના દુબે (વિદ્યા બાલન)ના, જેણે લીંબુ-ચમચાની દૌડમાં ભાગ લીધો છે. ‘તુમ્હારી સુલુ’ હૃદયસ્પર્શી કિંતુ મરક મરક હસાવતી ફિલ્મ છે. તમે જામખંભાળિયામાં રહેતા હોવ, અમદાવાદમાં, ભાવનગરમાં કે પછી ભાયંદર- તમારી આસપાસ નજર કરશો તો કંઈકેટલીયે સુલુ મળી આવશે. કોઈ પણ રિવૉર્ડની અપેક્ષા વગર, પોતાનાં સપનાં દફનાવી, પતિ-બાળકો-વ્યવહાર સંભાળતી, ઘર મૅનેજ કરતી, નખશિખ ગૃહિણી.

દિગ્દશર્ક સુરેશ ત્રિવેણીની ‘સુલુ’ પણ આવી જ છે. એક નાના નગરની સરકાર ચલાવવા જેટલું અઘરું કામ કરતી હોવા છતાં એની પૂંઠે હોમમેકરનું લેબલ લાગેલું છે અર્થાત એ કમાવા જતી નથી, આખો દિવસ ઘરે હોય છે. પતિ અશોક નોકરિયાત છે. સુલુ દરેક સ્પર્ધા, કમ્પિટિશનમાં ભાગ લે છે, લેમન-સ્પૂન અને મ્યુઝિકલ ચૅરથી લઈને હેમામાલિની, શ્રીદેવીની મિમિક્રી કરવાની કમ્પિટિશન એ જીતે છે. આવી સુલુને ચાન્સ મળે છે આરજે (એફએમ રેડિયો પર બે ગીતની વચ્ચે સતત બોલ બોલ કરતાં રેડિયો જૉકી) બનવાનો. રાતે રેડિયો સ્ટેશન પર ગીતો સંભળાવવાનાં અને શ્રોતામિત્રો સાથે કામુક સ્વરમાં મીઠીમીઠી વાત કરવાની, એમની રોજબરોજની સમસ્યા દૂર કરવાની. અચાનક સુલુની આસપાસના લોકોનો (ઈન્ક્લુડિંગ હસબંડ) સુલુને જોવાનો અભિગમ બદલાઈ જાય છે. એમને લાગે છે કે સુલુ જે કરી રહી છે (એકલવાયા પુરુષોની વાતો સાંભળવાની, એમની સાથે બે મીઠી વાત કરવાની) એ બધું છી…છી, બીભત્સ કહેવાય.

એ એક કેવો સુભગ સંયોગ કે આજે (17 નવેંબરે) રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લવની ભવાઈમાં પણ સેન્ટ્રલ કૅરેક્ટર આરજે અંતરા છે, જે પોતાના શોમાં ઍગની આન્ટ બનીને શ્રોતામિત્રોનું કાઉન્સેલિંગ કરે છે.

ઍડફિલ્મ-મેકરમાંથી ફિલ્મ ડિરેક્ટર બનેલા સુરેશ ત્રિવેણીએ અહીં મુંબઈની પાદરે આવેલા વિરારની સોસાયટીમાં વસતા મધ્યમવર્ગી સંયુક્ત કુટુંબની મનોઝંઝટને આબાદ ઝીલી છે. પરિવારનો દરેક સભ્ય રોજ સાંજે પોતપોતાનો સંઘર્ષ ઘેડી ઘેર પાછો ફરે છે. રોજ સાંજે મિસ્ટર ઍન્ડ મિસિસ અશોક (જાણે સૂત્રધાર હોય એમ) દિવસ દરમિયાન બનેલી ઘટનાનો સાર તથા નવા પડકારનો ખ્યાલ આપે છે, ધીરે ધીરે લઈટ ડીમ થતી જાય છે. આ આઈડિયા કમાલનો છે. જે જોઈને પ્રેક્ષકને લાગે છે કે આ તો જાણે મારી જ વાર્તા. અને સંઘર્ષની આ વાત હળવીફૂલ હલકીફૂલ બાનીમાં કહેવામાં આવી છે, એટલે મગજ પર કશોયે ભાર નહીં. નહીં ક્યાંય કોઈ ઉપદેશ, પ્રવચન. જરા આ સીન જુઓઃ લેટ નાઈટ આરજે બન્યા બાદ ચિત્રવિચિત્ર શ્રોતા સુલુને ફોન કરે છે. આમાંનો એક મજાનો કૉલ આવે છે કોઈ વડીલનો. એ સુલુ આગળ વર્ણન કરે છે કે એક જમાનામાં હું પણ મારી વાઈફને લાડથી સુલુ કહીને બોલાવતો. આ સીન સર્જકે બારીક નકશીકામની નજાકતથી હાથ ધર્યો છે.

ચવાઈ ને ચુથ્થો થઈ ગયેલો શબ્દ વાપરીને કહેવું હોય તો, વિદ્યા બાલન સુલુનું પાત્ર જીવી ગઈ છે. અત્યાર સુધી વિદ્યાએ ભજવેલાં વિવિધ પાત્રમાં એ કદાચ સુલુની સૌથી નજીક છે. જરા એનું હાસ્ય જુવો. આ હાસ્ય એને બનાવે છે પરફેક્ટ સુલુ. એને સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો છે રંગભૂમિ-ફિલ્મના અદાકાર માનવ કૌલએ. માનવ બન્યો છે સુલુનો નોકરિયાત પતિ અશોક. દંપતીનો પુત્ર પ્રણવ બનતો અભિષેક શર્મા પણ સ-રસ. સુલુને જ્યાં નોકરી મળે છે એ રેડિયો સ્ટેશનની કર્તાહર્તા મારિયાના રોલમાં નેહા પરફેક્ટ છે. આ સિવાય, સુલુના શોનો પ્રોડ્યુસર બનતો વિજય મૌર્ય (જે સહ-સંવાદલેખક પણ છે), તૃપ્તિ ખામકર (લેડી ટૅક્સી ડ્રાઈવર), મલિશ્કા મેન્ડોન્સા (આરજે અલબેલી અંજલિ), સુલુની મજાકિયા ટ્વિન સિસ્ટર્સ, વગેરે પાસેથી દિગ્દશર્કે બરાબર કામ કઢાવ્યું છે. આ બધું તમારે જોવું જ રહ્યું.

(જુઓ ‘તુમ્હારી સુલુ’નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=teo-MZ2ckbw