કાલાઃ થલઈવા-છાપ મનોરંજન મસાલા

ફિલ્મઃ કાલા

કલાકારોઃ રજનીકાંત, નાના પાટેકર, હુમા કુરેશી, અંજલિ પાટીલ

ડિરેક્ટરઃ પા. રંજિત

અવધિઃ આશરે પોણા ત્રણ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

રજનીકાંતને જ લઈને ‘કબાલી’ સર્જનારા ડિરેક્ટર પા. રંજિતની ‘કાલા’ ટિપિકલ રજનીકાંત બ્રાન્ડની મસાલા ફિલ્મ છેઃ નાચનાગાના, થોડી મોજમસ્તી, ફાઈટ્સ, ઈમોશન, વગેરે. કથા રાવણના પૉઈન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ છે. આઠેક વર્ષ પહેલાં મણિરત્નમએ આ જ દષ્ટિકોણથી ‘રાવણ’ બનાવેલી.

ઓક્કે, તો રજનીકાંત અહીં બન્યા છે ડૉન કાલા. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, મુંબઈની ધારાવીના લોકો એમની છત્રછાયા હેઠળ જીવે છે. એમનો સંઘર્ષ છે જમીન બચાવવાનો એવું શરૂઆતમાં આપણને કહેવામાં આવે છે. દુષ્ટ, ભ્રષ્ટ નેતા, લૅન્ડ માફિયા મળીને જમીન હડપવા માગે છે, ઝૂંપડપટ્ટી તોડીને મૉડર્ન, ડિજિટલ ધારાવી બનાવવા માગે છે. આ બધું રોકી શકે એવો એક જ ભડનો દીકરો છેઃ કાલા.

દક્ષિણ ભારતથી મુંબઈ આવેલો કાલા ધારાવી-કિંગ બને છે ત્યાંથી પટકથામાં પ્રાણ ફૂંકાય છે. એમાંયે દુષ્ટ હરિ દાદા (નાના પાટેકર)ની એન્ટ્રી પછી તો જાણે સ્ક્રિપ્ટ મેરેથોન રનરની જેમ દોડવા માંડે છે. કાલાની હરકતથી ઘવાયેલા હરિ દાદા બદલો લેવા તડપી રહ્યા છે. એ પછી અસલી રજનીકાંત પોતાનાં રંગરૂપ બતાવવા શરૂ કરે છે.

ફિલ્મના અમુક સીન્સ થિયેટરની બહાર નીકળ્યા પછી પણ યાદ રહી જાય છે. જેમ કે, હુમા કુરેશી બની છે ઝરીના, કાલાની એક સમયની પ્રેમિકા. એકાએક બન્ને ફરી મળી જાય છે મજાની રેસ્ટોરાંમાં. એક્સ લવર્સના ડિનરનો આ સીન બન્નેના ઉત્કૃષ્ટ અભિનયથી નીખરી ઊઠ્યો છે. આ ઉપરાંત મુંબઈના એક ફ્લાયઓવર પર શૂટ થયેલો સીન પણ વીએફએક્સની મદદથી દિલધડક બન્યો છે. આ ઉપરાંત રજનીકાંત-નાના પાટેકરની ટક્કરના સીન્સ તથા ઍક્શન સીન્સ પણ પૈસાવસૂલ છે. કાલાની પત્નીની ભૂમિકામાં ઈશ્વરી રાવ તથા કાલાના દીકરાની પ્રેમિકાની ભૂમિકામાં અંજલિ પાટીલ પણ સરસ.

અહીં એક વાતનો અવશ્ય ઉલ્લેખ કરવો જોઈએ કે આ ફિલ્મ રજનીકાતંના ભારતીય રાજકારણમાં એન્ટ્રીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. કાલા અહીં દલિત નેતા છે, એ કપડાં પહેરે છે (કાળાં ને ક્યારેક ભૂરાં), એ હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈની સુફિયાણી વાત કરે છે, ધારાવીને તોડી પાડવાનો ખતરનાક ઈરાદો રાખનાર બિલ્ડરનું નામ છેઃ મનુ રિયારિલિટી. ધોળા બાસ્તા જેવા કપડાં પહેરનાર હરિદાદા (નાના પાટેકર)ના રાજકીય પક્ષનું નામ છેઃ નવભારત નૅશનલ પાર્ટી. અમુક સીનમાં સ્વચ્છ ભારતનાં હૉર્ડિંગ કે ક્યાંક બૅકગ્રાઉન્ડમાં બાબાસાહેબ આંબેડકરની ઝલક, વગેરે.

જો કે રજનીકાંતપ્રેમીએ આ ફિલ્મ એક ટિપિકલ મસાલા ફિલ્મ તરીકે જ જોવાની. વરસાદી વીકએન્ડમાં જોવા જેવી એન્ટરટેનિંગ ફિલ્મ.

(જુઓ ‘કાલા’નું ટ્રેલર)

httpss://youtu.be/mMCEvr3VWqQ

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]