ઐયારી: વાત ઓછી ને વેશ ઝાઝા…

ફિલ્મઃ ઐયારી

કલાકારોઃ મનોજ બાજપાઈ, સિદ્ધાર્થ મલહોત્રા, અનુપમ ખેર, કુમુદ મિશ્રા

ડિરેક્ટરઃ નીરજ પાંડે

અવધિઃ બે કલાક ચાલીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2

જૂના જમાનામાં રાજામહારાજાના દરબારમાં અત્યંત ચાલાક-છળકપટ કરનારા બહુરૂપી રહેતા, જે ગમે તે વેશ આબેહૂબ ધારણ કરી શકતા. એ સ્ત્રી બને તો સ્ત્રીનાં અંગઉપાંગ, એનો અવાજ, ચાલઢાલ બધું પરફેક્ટ કરતા. હિંદીમાં આ માટે શબ્દ છેઃ ઐય્યાર, જે આપણને પહેલી વાર ‘ચંદ્રકાંતા’ ટીવી-સિરિયલમાં સાંભળવા મળેલો. ‘ઐય્યારી’માં મનોજ બાજપાઈ અને સિદ્ધાર્થ મલહોત્રા અવારનવાર ઐયાર બને છે, અવનવા વેશ લે છે, પણ એમની પાસે કહેવાનું ભાગ્યે જ કંઈ છે.

વસ્તુ એવી છે સાહેબ, કે, ડિરેક્ટર નીરજ પાંડે થ્રિલર બનાવે તો એમની પાસેથી આટલું એક્સેપ્ટ કરવું- ભારતીય ફૌજના હાડોહાડ દેશપ્રેમી સિક્રેટ એજન્ટ્સ, એમની સિક્રેટ કામગીરી, ગમે તેનાં કમ્પ્યૂટર-વેબસાઈટ-ફોનમાં આસાનીથી પ્રવેશી જતો હૅકર, એકાદદગાખોર, વગેરે. ‘ઐય્યારી’માં આ બધું જ છે, પણ એનાથી પ્રેક્ષક માટે સીટ સાથે જકડી રાખનારું સુવાંગ થ્રિલરને બદલે એને ગૂંચવાડામાં નાખી દેતો લોચો બન્યો છે.

નીરજભાઈની ‘અ વેન્સ્ડે,’ ‘બેબી’ અને ‘સ્પેશિયલ છબ્બીસ’ના કુળની ‘ઐય્યારી’ ભારતીય ફૌજના બે અફ્સરની વાત કહે છે. એક છે સિનિયરઃ કર્નલ અભયસિંહ (મનોજ બાજપાઈ) જ્યારે બીજો છે એનો જુનિયર મેજર જય બક્ષી (સિદ્ધાર્થ મલહોત્રા). દેશના લશ્કરી વડા (વિક્રમ ગોખલે)ના વડપણ તળે સ્થપાયેલા એક સિક્રેટ યુનિટ ડીએસડી- ડાટા ઍન્ડ સિસ્ટમ ડાયગ્નોટિક્સનો વડો છે કર્નલ અભયસિંહ. ડીએસડીની કામગીરી છેઃ મહત્ત્વની માહિતી મેળવવા અમુક ઈમ્પોર્ટન્ટ ફોનનંબર્સ પર થતી વાતચીત ચોવીસ કલાક સાંભળવાની. આશય છે દેશની સુરક્ષા. કર્નલ અભયસિંહને પોતાના ગુરુ માનતા જય ફોન-ટેપિંગની ખાનગી કામગીરી દરમિયાન ઈન્ડિયન આર્મીને લગતું એવું કંઈ સાંભળે છે કે એ લશ્કરી વ્યવસ્થા સામે બળવો પોકારવાનો નિર્ણય લે છે. નિર્ણયને અમલમાં મૂકી એ અદશ્ય થઈ જાય છે. અભય પોતાના ચેલાને શોધવા નીકળી પડે છે. એની પાસે, જો કે, સમય બહુ નથી. કેમ કે જય પાસે ઈન્ડિયન આર્મીમાં ભ્રષ્ટાચાર હોવાના એવા પુરાવા છે, જેનાથી કેન્દ્રસરકાર પડી ભાંગે એમ છે. અધૂરામાં પૂરું જય સાથે છે એની ફાંકડી, પણ બાહોશ હૅકર ગર્લફ્રેન્ડ સોનિયા (રકુલ પ્રીતસિંહ).

ફિલ્મની કથા-પટકથા નીરજે પોતે આલેખી છે. આખેઆખો પૂર્વાર્ધ, ઈન્ટરવલ પહેલાંના આશરે દોઢ કલાક એમણે વાર્તાનો પિંડ બાંધવામાં, કેરેક્ટર્સ ઍસ્ટાબ્લિશ કરવામાં વેડફી નાખ્યા છે. વાર્તા-પ્રસંગની હારમાળા પ્રેક્ષકને સતત કન્ફ્યુઝનમાં રાખે છે, જેના છેડા મેળવતાં મેળવતાં પ્રેક્ષક બાપડો થાકી ને ઠૂસ થઈ જાય છે. ફ્લૅશબૅકમાં શરૂ થતી ફિલ્મ અચાનક વર્તમાનમાં આવી જાય છે, ફ્લૅશબૅકમાં પણ ફ્લૅશબૅક. જ્યાં ને ત્યાં કોવર્ટ મિલિટરી ઑપરેશન અને ઈન્ટેલ અને એવા બધા શબ્દ-શબ્દસંજ્ઞા વાપરવામાં આવ્યાં છે, જે આમ જનતાના માથા ઉપરથી પસાર થઈ જાય છે. આને લીધે ‘ઐયારી’ ચૂંટેલા બુદ્ધિજીવી માટેની ફિલ્મ બની રહે છે. અને વાર્તાની પરાકાષ્ઠા આવે છે ત્યારે હત્તેરિકી, આને માટે આટલો ઉપાડો એવી લાગણી થાય છે.

ઓક્કે, નીરજે ઈન્ડિયન આર્મીનાં બે કૌભાંડ વચ્ચે કોઈ કડી છે કે કેમ એ બતાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. એક કૌભાંડ છે દેશની રક્ષા કાજે ખરીદવામાં આવતાં શસ્ત્રો, ટૅન્ક્સ વગેરેની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને, બીજું, દેશઆખઆને હચમચાવી ગયેલું મુંબઈનું ‘આદર્શ હાઉઝિંગ સોસાયટી’ (અહીં, ‘આશીર્વાદ કો ઓપરેટિવ હાઉઝિંગ સોસાયટી’) કૌભાંડ. મુંબઈમાં સોનાની લગડી જેવા પ્લોટ પર શહીદોની વિધવા માટે બંધાયેલી એક ઈમારતના અચાનક માળ ગેરકાયદે વધી ગયા અને શહીદોની વિધવાઓને ઘર આપવાના ઉમદા આશય સાથે બનેલી એ ઈમારત પર રાજકારણીઓ તથા ટોચના સરકારી બાબુઓએ કબજો જમાવી દીધેલો. એ હતું ‘આદર્શ કૌભાંડ.’ આ કૌભાંડ બહાર આવતાં મહારાષ્ટ્રના ત્યારના ચીફ મિનિસ્ટર અશોક ચૌહાણે રાજીનામું આપી ઘેર બેસી જવું પડેલું. જો કે અહીં આ બે વચ્ચે કોઈ કડી હોવાનું ઍસ્ટાબ્લિશ થતું નથી (કે થાય છે? કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન છે).

નો ડાઉટ, ફિલ્મમાં અભિનયના રીતસરના ફાયરવર્ક્સ થયા છેઃ સિદ્ધાર્થ મલહોત્રા સ-રસ. આ સિવાય કુમદ મિશ્રા-આદિલ હસન-અનુપમ ખેર-વિક્રમ ગોખલે અને બધાને ટપી જાય એવા નસીરુદ્દીન શાહ- ‘એ વેન્સ્ડે’નો જસ્ટ સ્ટુપિડ કૉમન મૅન અહીં પણ કૉમન મૅન જ છે, જે કહે છે કે ‘આમ જનતાની સળી નહીં કરવાની…’

-પણ ફિલ્મઆખીમાં છવાઈ જાય છે મનોજ બાજપાઈ. પરદા પર એની હાજરી જાણે ચમત્કાર સર્જે છે. સંવાદોમાં ઝાઝી ચમત્કૃતિ ન હોવા છતાં જે રીતે એ કશ્મીર-સમસ્યાથી (‘કશ્મીર એક વિસ્તાર નહીં, એ આખી ઈન્ડસ્ટ્રી છે’) લઈને વર્લ્ડ પ્રોબ્લેમ્સ વિશે પોતાના અભિપ્રાય આપે છે એ પ્રેક્ષકને મરક મરક હસાવી જાય છે. બટ-કિંતુ-પરંતુ આવા સશક્ત કલાકારને વધુ સારી, સશક્ત કથા-પટકથા જોઈએ, નીરજભાઈ. આવું બુઠ્ઠું, ધાર વિનાનું થ્રિલર નહીં. ચલો, બેટર લક નેક્સ્ટ ટાઈમ.

(જુઓ ‘ઐયારી’નું ટ્રેલર)