પૅડ મૅનઃ મનોરંજનની મીઠાઈમાં મહત્વનો મેસેજ

ફિલ્મઃ પૅડ મૅન

કલાકારોઃ અક્ષય કુમાર, રાધિકા આપ્ટે, સોનમ કપૂર

ડિરેક્ટરઃ આર. બાલ્કિ

અવધિઃ ૧૪૦ મિનિટ્સ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

મધ્ય પ્રદેશના એક નાના કસબા મહેશ્વરની બજારમાં લક્ષ્મીકાંત ચૌહાણ (અક્ષય કુમાર) સૅનિટરી પૅડ ખરીદવા જાય છે. દુકાનવાળો એને કાઉન્ટરની નીચેથી, છાપામાં લપેટીને આપે છે ત્યારે લક્ષ્મીકાંત છાશિયું કરતાં કહે છેઃ “યે ક્યા ગાંજા-ચરસ દે રહે હો?” દુકાનવાળો મહિલા ગ્રાહકો ભણી ઈશારો કરતાં કહે છેઃ “લેડીસ છેને, એટલે.” એટલે લક્ષ્મીકાંત કહે છેઃ “કમાલ છે… એમને માટેની આ પ્રોડક્ટ છે!”

કદાચ આ સીન દેશનાં કેવળ નાનાં નગરમાં જ નહીં, પણ મોટાં શહેરોમાં પણ ભજવાતો હશે. આર. બાલ્કની ‘પૅડ મૅન’માં આપણને કહેવામાં આવે છે કે દેશમાં મહિલાની સંખ્યા આશરે પચાસ લાખ હશે, જેમાંથી માત્ર 12 ટકા જ સૅનિટરી પૅડ વાપરે છે. સ્ત્રીને દર મહિને આવતા પિરિયડ્સ સાથે વર્ષોથી ચાલી આવતી અને રીતરિવાજ, ધર્મના નામે ચલાવાતી સરાસર જૂઠી માન્યતાથી લઈને પૅડ્સ ન વાપરવા માટેનાં વિવિધ કારણની ફિલ્મમાં ચર્ચા કરવામાં આવી છે, જેમાંનું એક છે એની કિંમત. ફિલ્મનો સમયકાળ છેઃ 2001. ત્યારે પૅડના એક પૅકેટની કિંમત હતીઃ પંચાવન રૂપિયા.

તમિળ નાડુના અસામાન્ય કહેવાય એવા ઈન્નોવેટર ગ્રામ ઉદ્યોગ સાહસિક અરુણાચલમ મુરુગનંથમના જીવનની કેટલીક ઘટના પર આધારિત પૅડ મૅન એક ઈન્સ્પાયરિંગ ફિલ્મ છે. ગ્રામવિસ્તારની મહિલાને પરવડે એવાં કિફાયતી સૅનિટરી પૅડ્સ બનાવવવાનું મશીન વિકસાવનારા અરુણાચલમના જીવનની ‘કેટલીક ઘટના’ લખવાનું કારણ એ છે કે આ કંઈ એમના વિશેની ડૉક્યૂમેન્ટરી ફિલ્મ નથી. એવી ફિલ્મ જોવામાં રસ હોય તો ગૂગલમાં ટાઈપ કરજોઃ MenstrualMan એટલે રિઝલ્ટ આવશે અમીત વીરમણિની આ જ શીર્ષકવાળી અરુણાચલમ મુરુગનંથમ વિશેની ડૉક્યુમેન્ટરી. સિવાય, બે વર્ષ પહેલાં ‘ફુલ્લુ’ નામની આજ વિષય પર ફિલ્મ આવી ને કશીયે હો-હા વગર થિયેટરમાંથી ઊતરી ગઈ.

આર. બાલ્કિની ફિલ્મ ન માત્ર ઈન્સ્પાયરિંગ છે, બલકકે હૃદયસ્પર્શી છે. ફિલ્મમાં અનેક દશ્ય એવા છે, જે પ્રેક્ષકને ટચ કરી જાય છે. જેમ કેઃ લક્ષ્મીકાંત પોતે પૅડ પહેરીને સાઈકલ ચલાવે છે. એ ન માત્ર પૅડ પહેરે છે, બલકે એવી ગોઠવણ કરે છે કે થોડા થોડા સમયે શરીરમાંથી રક્ત પણ ટપકે. આ બધા સામે એણે જાતે બનાવેલું પૅડ રક્ષણ આપે છે કે નહીં એ લક્ષ્મી ચકાસે છે. પૅડ મૅન એ વુમન હાઈજિન વિશેની સરકારી વિજ્ઞાપન ફિલ્મ લાગવાને બદલે સવા બે કલાકનું મસ્તમજાનું મનોરંજન બન્યું છે એ પટકથાકારો આર. બાલ્કિ અને ગીતકાર-લેખક સ્વાનંદ કિરકિરેનો વિજય છે. અક્ષય કુમારની વાઈફ ટ્વિન્કલ ખન્નાની અરુણાચલમ મુરુગનંથમ વિશેની એક ટૂંકી વાર્તા પરથી બન્નેએ એક સુવાંગ પટકથા લખી છે. પત્ની માટે, બહેનો માટે, ગામની મહિલા માટે ખરા દિલથી કંઈ કરવા માગતા એમની સમસ્યા સુલઝાવવા માગતા લક્ષ્મીકાંતનો ગામવાળા બહિષ્કાર કરે છે, એને “ઢીલે નાડે કા આદમી” (શિથિલ ચારિત્ર્યવાળો) કહીને ઓલમોસ્ટ ગામમાંથી કાઢી મૂકે છે. અહીંથી લક્ષ્મીકાંતનો પ્રવાસ શરૂ થાય છે. જે એને આઈઆઈટીના ‘ઈન્નોવેશન ઑફ ધ યર’ સુધી અને ન્યૂ યૉર્કમાં ‘યુનાઈટેડ નેશન્સ’ના વડા મથક સુધી લઈ જાય છે.  એક રસપ્રદ વાત એ છે કે સસ્તું, માટીનું ફ્રિજ બનાવનારા આપણા મનસુખભાઈ પ્રજાપતિનું નામ પણ ‘ઈન્નોવેશન ઑફ ધ યર’ જાહેર કરવામાં આવે છે. ફિલ્મના અંતભાગમાં, યુનોમાં  લક્ષ્મીકાંતનું ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં બોલાયેલું ભાષણ પણ અસરકારક છે. સંયોગથી આર. બાલ્કિની વાઈફ ગૌરિ શિંદેની ‘ઈન્ગ્લિશ વિન્ગ્લિશ’માં પણ શ્રીદેવી આ જ રીતે એક સ્પીચ આપે છે.

ત્રણેવ પ્રમુખ કલાકાર (અક્ષય-રાધિકા-સોનમ)ના પરફોરમન્સ સ-રસ છે જ, કેટલાક સહકલાકારો કૌસર મુનીરનાં ગીત તથા અમીત ત્રિવેદીનું સંગીત પણ મજેદાર છે. વયમાં આવી ગયેલી એક કન્યાનું વર્ણન કરતું ‘કલ તક થી ગુલ, અબ ગુલેલ હો ગઈ’ તથા પતિ દ્વારા પત્નીનો પડ્યો બોલ ઝીલી લેવાની ખાતરી આપતું ‘આજ સે તેરી…’ કમાલનાં બન્યાં છે.

ટૂંકમાં પ્રેક્ષક સાથે ફટાક દઈને કનેક્ટ થાય એવાં ડ્રામા, કૉમેડી અને કમર્શિયલ એલિમેન્ટ્સ ધરાવતી ‘પૅડ મૅન’ જોવી જોઈએ.

(જુઓ ‘પૅડ મૅન’નું ટ્રેલર)