ઈટાલીનાં લેક કોમો ખાતે 14-15 નવેમ્બરે બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને દીપિકા પદુકોણનાં થયેલા લગ્નમાં હાજર રહેલાં મહેમાનોને એક એકથી ચડિયાતી સ્વાદિષ્ટ મીઠાઈ ખવડાવવામાં આવી હતી.
રણવીર સિંહ સિંધી સમુદાયનો છે, જ્યારે દીપિકા કર્ણાટકના બ્રાહ્મણ પરિવારની છે. બંનેએ કોંકણી અને સિંધી, એમ બેઉ સમાજનાં રીતરિવાજ અનુસાર સાત ફેરાં ફર્યાં હતાં.
એવા અહેવાલો છે કે મહેમાનોને સેવ બરફી, દાલ પકવાન, રબડી, કોકી જેવી સિંધી વાનગીઓ અને પૂરણપોળી, રસમ જેવી કોંકણી વાનગીઓ ખવડાવવામાં આવી હતી.
વેડિંગ કેક તથા ડિઝર્ટ્સ (ભોજને અંતે પીરસાતી મીઠી વાનગીઓ) બનાવવા માટે ખાસ સ્વિટ્ઝરલેન્ડમાંથી પેસ્ટ્રી રસોઈયાઓને બોલાવવામાં આવ્યા હતા.
નવદંપતી રણવીર અને દીપિકાએ એમનાં લગ્નની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. ગઈ કાલે એ શેર કરાયાની અમુક જ મિનિટોમાં વાયરલ થઈ હતી.
અમુક જ કલાકોમાં, યુગલની પોસ્ટ્સને કુલ 70 લાખથી વધુ લાઈક્સ મળ્યાં હતાં.
રણવીર અને દીપિકાએ લેક કોમો સરોવરને કાંઠે આવેલા ભવ્ય અને આકર્ષક ઈમારત વિલા ડેલ બેલબીનેલોમાં આયોજિત સમારંભમાં લગ્ન કર્યાં હતાં.
લગ્ન સમારંભમાં રણવીર-દીપિકાનાં માત્ર પરિવારજનો તથા ખાસ મિત્રોએ જ હાજરી આપી હતી.
અમુક મહેમાનો ભારત આવવા રવાના થઈ ગયા છે. નવદંપતી કલાકારો રવિવારે એમનાં માતા-પિતા સાથે ભારત પાછાં ફરે એવી ધારણા છે.