બાલિકા, વિદ્યાર્થિની, ઘરકૂકડી, વિશ્વસુંદરી, ધાર્મિક વ્યક્તિ…
પ્રિયંકાનાં અનેક રૂપ પર એક નજર…
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૪ અંકનો)
અંદાઝ, પ્લાન, હીરો, અસંભવ અને મુઝસે શાદી કરોગી જેવી ફિલ્મો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવનાર પ્રિયંકા એક વ્યક્તિ તરીકે કેવી છે? ચાલો જાણીએ એકડે એકથી…
બાળપણની પ્રિયંકા: બચપણમાં મારાં કેટલાયે નામ હતા.
મારું અસલી નામ પ્રિયંકા ચોપરા છે. પરંતુ ઘરમાં મારું પેટ નેમ હતું મિઠૂ. પરંતુ મને મિમિ કહીને બોલાવતા. મારા ફ્રેન્ચ અભિનેત્રી મિમિની એક ફિલ્મ જોયેલી. બસ ત્યારથી મને મિમિ સંબોધવાનું શ‚ કરી દીધેલું. નાની ઉંમરે મને મિઠૂ બોલવામાં તકલીફ થતી. તેથી હું મારું નામ મિમિ જ કહેતી સ્કૂલમાં સનશાઈનને નામ જાણીતી હતી. મિમિ નામ મારું પ્રિય હતું છતાં સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં મારું નામ પ્રિયંકા ઉર્ફ સનશાઈન રહેતું. હું બરેલીની વતની છું. ત્યા અમારો વિશાળ પરિવાર હતો. સિવાય ઘરના બધા જ ખૂબ ચાહતા. મારી દાદી અને નાનીનો તો હું આજેય પ્યારી પૌત્રી અને દોહિત્રી છું. પિતા અશોક ચોપરા એક સમયે ફોજમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ભોગવતા. આજે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યાં છે. મમ્મી મધુ ચોપરા સફળ ડૉક્ટર છે. જો કે બચપણમાં અભાવનો પણ મુકાબલો કરવો પડેલો, પણ જો બીત ગઈ સો બાત ગઈ.
વિદ્યાર્થિની: હોશિયાર પણ તોફાની
હું ભણવાગણવાની બાબતમાં ખાસ્સી હોશિયાર હતી પણ હતી ભારે તોફાની. જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી ભણવાનું નામનિશાન નહીં. ભણવામાં હોશિયાર છતાં મેં ઓછો માર નથી ખાધો. સ્કૂલમાં એક વાર પરીક્ષા પૂરી થવા આવેલી. બધા પેપર્સ સારા ગયેલા. જ્યોગ્રાફીનું પેપર બાકી હતું. તમને ખબર જ હશે કે જ્યોગ્રાફી કેટલી બૉરિંગ છે. બરાબર યાદ નથી પણ ત્યારે શાહ‚ખ ખાનની ડર કે બાઝીગર ચાલતી હતી. મન ફિલ્મ જોવા લલચાઈ ઉઠ્યું. વધુ વિચાર્યા વિના ફિલ્મ જોવા જતી રહી. ઘરે આવ્યા પછી ખૂબ માર ખાધો. સૌને ગુસ્સો એક જ વાતનો હતો કે બીજે દિવસે જ્યોગ્રાફી જેવું હાર્ડ પેપર હતું છતાં હું મોજથી ફિલ્મ જોઈ આવી. બારમીમાં પંચ્યાસી ટકા આવ્યા. હું કમ્પ્યુટર એન્જિનિયર બનવા ચાહતી હતી. પણ નસીબમાં કોઈ ઓર જ લખાયેલું.
વિશ્ર્વસુંદરી પ્રિયંકા: પરીકથા સમાન હતું વિશ્ર્વસુંદરી બનવું
ત્યારે હું મારી કોઈ એક્ઝામની તૈયારીમાં મશગૂલ હતી. હું જાણતી હતી કે મારા નાના ભાઈ સિદ્ધાર્થ અને મમ્મીએ ફેમિના મિસ ઈન્ડિયા માટે મારી કેટલીક તસવીરો મોકલી છે. પણ હું ક્યાંથી સિલેક્ટ થવાની હતી અને ધારો કે થઈ હોત તો યે દાદા-દાદીનો ક્રોધ કોણ બર્દાશ્ત કરે! તેઓ જૂનવાણી પરંપરાના છે. તો ખેર ફોટોગ્રાફ્સ મોકલ્યાની વાત ભૂલાઈ ગઈ. ત્યાં એક દિવસે ફોન આવ્યો કે હું ફૅમિના મિસ ઈન્ડિયા સ્પર્ધા માટે ચૂંટાઈ છું. ત્રણ દિવસ માટે દિલ્હી બોલાવવામાં આવી. સ્વિમિંગ કૉસ્યૂમ અને ઊંચી એડીના જૂતા સાથે. ત્યાં જઈને ડાન્સ કરીને બ્યૂટિ કૉન્ટેસ્ટ માટે ચૂંટાઈ તો આવી પણ મેં હાઈ હિલ શૂઝ કે સ્વિમિંગ સ્યૂટ ક્યારેય પહેર્યો નહોતો અને મેકઅપ કે આઈ લેશીઝ લગાડી નહોતી. કૉન્ટેસ્ટમાં મને ખૂબ તકલીફ નડી. બીજી સ્પર્ધકોની માફક મને કેટવૉક નહોતી આવડતી. સાડી પહેરવા બેકસ્ટેજના કેટલાયે હેલ્પરોની જ‚ર પડતી. જો કે મિસ ઈન્ડિયા કૉન્ટેસ્ટના ગ્રૂમિંગ દરમિયાન હું ઘણું બધું શીખી ગઈ. ભારત સુંદરી બની ત્યારે આત્મવિશ્ર્વાસ વધ્યો અને વિશ્ર્વ સુંદરી બની એ દિવસ તો જિંદગીનો સૌથી મહત્ત્વનો હતો. પરંતુ એ ખૂબસૂરત અહેસાસને માણી ન શકી. બે દિવસ મારા પરિવારને મળી સુદ્ધાં નહોતી. અમારે તાબડતોબ જર્મની જવાનું હતું. ખુશીને હું કોની સાથે વહેંચું? મને ભારે અકળામણ થયેલી.
મારું ઘર છે સ્વર્ગથી સુંદર
જો કોઈ મને પૂછે કે દુનિયામાં સ્વર્ગ ક્યાં છે તો હું એ જ કહીશ કે મારું ઘર જ મારું સ્વર્ગ છે. હું પાકી ઘરકુકડી છું તેથી જ વર્ષના ૩૬૫ દિવસોમાં ઘરવાળા સાથે માત્ર થોડા જ દિવસો વીતાવી શકું છું એ વાતથી વ્યથિત થાઉં છું. અને ભાઈ સિદ્ધાર્થ સાથે જ નહીં બલકે સમગ્ર પરિવાર સાથે ઊંડાણપૂર્વક સંકળાઈ છું. સિદ્ધાર્થ મારી આંખોનો તારો છે. જો કે બચપણથી જ પુષ્કળ લડાઈ-ઝઘડા થતા રહે છે. પણ જેમ જેમ મોટી થતી ગઈ, બહેનની જવાબદારી સમજાવા માંડી. મને યાદ છે જ્યારે હું સાત વર્ષની હતી ત્યારે સિદ્ધાર્થ જન્મ્યો હતો. સ્કૂલમાં ભણતા ભાઈના ભણતરમાં ખૂબ ધ્યાન આપું છું. એના પ્રોજેક્ટસમાં મદદ કરું છું. તમે જાણો છો હું મારી ખૂબ ડરું છું. તેઓ બન્ને જૂનવાણી છે. અંદાઝનું મારું કામ જોઈને બન્ને ગુસ્સે થયા હતા. હું મનાલીના ૪૦ દિવસના આઉટડૉર શેડ્યુલ પર હતી. અંબાલા, ચંડીગઢથી મારું પૂરું ખાનદાન મળવા આવેલું. એ આઉટડૉર યાદગાર રહેશે. અમે એક બંગલો જ ભાડેથી લીધેલો. આખો પરિવાર સાથે હતો. કામ સાથે ધમાલ-મસ્તી પણ પુષ્કળ કરી. મને લાગે છે કે ભલેને કોઈ ગમે તેટલાં નામ-દામ મેળવી લે પરંતુ પોતાની જડો સાથે વળગી રહેવાથી જ મજબૂત રહી શકે છે.
શિવજીના દર્શનથી આત્મિક શાંતિ મળે છે.
અમારા ઘરમાં મિશ્ર સંસ્કૃતિઓનો પ્રભાવ રહ્યો છે. મારું મોસાળ કેરળનું છે. નાના કાશ્મીરના છે. હું લાંબો સમય બરેલીમાં રહી છું. પિતાજી પંજાબી છે. એક સ્વજન ક્રિશ્ર્ચિયન પણ છે. એટલે અમારા ઘરને મિની ઈન્ડિયા કહેવામાં આવે તો લેશમાત્ર અતિશયોક્તિ નહીં ગણાય. તેથી જ અમારે ત્યાં દરેક ધર્મનો આદર થાય છે. સર્વે ધર્મોનું પાલન થાય છે. અમારે ત્યાં નવરાત્રિ ધૂમધામથી ઉજવાય છે. દિવાળી પર ઘરમાં રોનક ફેલાય છે. રાનીખેતમાં હેડા ખાન નામનો એક આશ્રમ છે જ્યાં શિવજીનું મંદિર છે. શિવાજીની અનન્ય પૂજા થાય છે. હું વર્ષમાં એક-બે વાર પરિવાર સાથે અચૂક જાઉં છું. અને શિવજીના દર્શન કરું છું. મને ખૂબ આત્મિક શાંતિ મળે.
– રેખા ખાન