પ્રિયા પ્રકાશઃ રાતોરાત બની ગઈ ઈન્ટરનેટ સ્ટાર…

મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ના એક લવ સોંગમાં જોવા મળેલી છોકરી અને દક્ષિણી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિઅરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને એ સાથે જ પ્રિયા રાતોરાત દેશભરમાં સ્ટાર બની ગઈ છે.

વિડિયો યૂટ્યૂબ પર વાયરલ થયાને હજી બે દિવસ માંડ થયા છે ત્યાં કેરળના ત્રિચૂર શહેરની વિમલા કોલેજની એફવાયબીકોમની વિદ્યાર્થિની અને 18 વર્ષની પ્રિયા પ્રકાશ વારિઅર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ વિડિયો વેલેન્ટાઈન્સ ડેના બે જ દિવસ પૂર્વે વાયરલ થયો હોવાથી દેશભરનાં યુવાન હૈયાંઓમાં પોપ્યૂલર થઈ ગયો છે.

પોતાનાં બોય ક્રશ સામે જોઈને આંખો-આંખોમાં વાત કરતી પ્રિયાનાં આંખોનાં હાવભાવે ઈન્ટરનેટ પર સનસનાટી ફેલાવી દીધી છે. પ્રિયા આ વિશે કહે છે, ‘હું બહુ જ ખુશ છું. ચારેબાજુએથી મારી પર પ્યારનો વરસાદ વરસી રહ્યો છે. મેં આટલી બધી આશા રાખી નહોતી. એક જ દિવસમાં મારી તો જિંદગી જ બદલાઈ ગઈ છે.’

આ ગીત ગઈ 9 ફેબ્રુઆરીએ યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રિયાએ તે આખા ગીતમાંથી માત્ર 6 સેકંડ્સની સીક્વન્સ જ પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરી હતી. સ્ક્રીન પર પ્રિયા એની સ્કૂલનાં બોય ક્રશની તરફ જોઈને આંખ મારે છે.

તે ગીતની સીક્વન્સમાં પ્રિયા રોશન અબ્દુલ રઉફ નામના છોકરા સામે પોતાની આંખો પરની ભમ્મરને નચાવે છે અને પછી આંખ મારે છે. એ પછી એનું સ્માઈલ… બધું જ એટલું બધું પરફેક્ટ થયું છે કે એનાં હાવભાવ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયાં છે.

પ્રિયાનો આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયા પર અનેક પ્રકારની રમૂજોએ માઝા મૂકી છે. ઘણા લોકોએ વિડિયો એડિટિંગ કરીને પ્રિયાની સાથે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓના પણ ઉમેરા સાથે સ્પૂફ વિડિયોઝ બનાવી, પોતપોતાના એકાઉન્ટ્સ પર અપલોડ કરીને ભારે રમૂજ ફેલાવી છે.

આ વિડિયોને કારણે પ્રિયા ‘વેલેન્ટાઈન્સ ડેટ’ બની ગઈ છે, જેને દેશનો દરેક છોકરો ડેટ કરવા ઈચ્છે છે.

પ્રિયાને ઉક્ત મલયાલમ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ આ વિડિયો વાયરલ થવાથી તે હવે એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે એને હવે મુખ્ય ભૂમિકા મળતાં વાર નહીં લાગે.

પ્રિયાએ કહ્યું કે ‘ગીતના શૂટિંગ વખતે આ રીતે આંખોનાં ભવાંને નચાવવાનું અને આંખ મારવાનું ડાયરેક્ટરે કહેલું. મેં તો માત્ર એમની સૂચનાનું પાલન જ કર્યું હતું. પરંતુ આ વિડિયો વાયરલ થયા બાદ મારો મેઈલ બોક્સ સંદેશાઓથી ભરાઈ ગયો છે. ઘણાં છોકરાઓ એને ડેટ માટે પૂછી રહ્યા છે અને ઘણાએ એને પ્રપોઝ પણ કર્યું છે.’ સોશિયલ મિડિયા પર પ્રિયાનાં ચાહકોનો આંકડો દર મિનિટે વધી રહ્યો છે.

પ્રિયાએ કહ્યું છે કે પોતે આનાથી જરાય અતિ ઉત્સાહમાં આવી નથી અને હાલને તબક્કે તો એ પોતાનાં શિક્ષણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાની છે. પ્રિયા ઈચ્છતી નથી કે એ જ્યાં જાય ત્યાં છોકરાઓની ભીડ જામ્યા કરે.

(આ છે, મલયાલમ ફિલ્મના ગીતનો ઓરિજિનલ વિડિયો)…

રાહુલ ગાંધીને દર્શાવતો આ સ્પૂફ વિડિયો છે…