‘પેડ મેન’નાં સ્પેશિયલ શોઃ માત્ર મહિલાઓ માટે…

અક્ષય કુમારે મલ્ટીપ્લેક્સ સાથે હાથ મિલાવ્યા; તમામ-મહિલાઓ માટે ‘પેડ મેન’નાં વિશેષ શો યોજશે

કુદરતી ક્રિયા – માસિક ચક્ર અથવા પીરિયડની સમસ્યા વખતે મહિલાઓ સાથે અછૂત જેવો વર્તાવ કરવાની ભારતમાં ચાલુ રહેલી જૂનીપુરાણી પ્રથા વિરુદ્ધ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ‘પેડ મેન’ ફિલ્મ સાઈન કરવાનું પહેલું પગલું ભર્યું હતું. અક્ષય અને એની નિર્માત્રી પત્ની ટ્વિંકલ ખન્નાને વિશ્વાસ છે કે આર. બાલ્કી દિગ્દર્શિત ‘પેડ મેન’ ફિલ્મ સ્ત્રીઓનાં પીરિયડ્સ અંગેની ખોટી માન્યતાને દૂર કરશે અને પીરિયડ્સ વખતે સ્ત્રીઓ દ્વારા સ્વચ્છતા જળવાય એ માટે સેનિટરી પેડ્સના ઉપયોગની આવશ્યક્તાના ક્રાંતિકારી વિચારને દેશભરમાં વહેતો કરશે.

હવે અક્ષયે એક ડગલું આગળ વધીને એક મલ્ટીપ્લેક્સ ચેઈન સાથે આ ઝુંબેશના ઉત્તેજન માટે એક સમજૂતી કરી છે જે મુજબ, મુંબઈમાં માત્ર મહિલાઓ માટે ‘પેડ મેન’ના શો યોજવામાં આવશે.

અક્ષયના દ્રષ્ટિકોણની કદર કરીને પીવીઆર સિનેમાઝે માત્ર મહિલાઓ માટે ‘પેડ મેન’નાં શો આજથી યોજવાનું શરૂ કર્યું છે જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સ્પેશિયલ શો મુંબઈ ઉપરાંત દિલ્હી, બેંગલુરુ, કોલકાતા અને હૈદરાબાદ તથા અન્ય શહેરોમાં પણ યોજાશે.

રિયલ લાઈફના ‘પેડ મેન’ – અરૂણાચલમ મુરુગનાથમ

આ ફિલ્મ તામિલનાડુના અરુણાચલમ મુરુગનાથમની સ્ટોરી પર આધારિત છે. જેમણે દુનિયામાં સૌપ્રથમ ઓછી કિંમતના સેનિટરી નેપ્કિન્સ બનાવવાના મશીનની શોધ કરી હતી. ‘પેડ મેન’ ફિલ્મમાં અક્ષય કુમાર ‘પદ્મશ્રી’ ઈલ્કાબ મેળવનાર અરૂણાચલમની ભૂમિકા નિભાવી રહ્યો છે.

અક્ષય કુમાર, એની પત્ની ટ્વિંકલ અને રીયલ લાઈફના ‘પેડ મેન’ અરૂણાચલમ મુરુગનાથમ

મુરુગનાથમે સસ્તા સેનેટરી પેડ બનાવીને કરોડો મહિલાઓનું જીવન બદલી નાંખ્યું. તેમણે લાખો રૂપિયાના સેનેટરી પેડ બનાવતા મશીનનો ખર્ચ ફક્ત 75 હજાર રૂપિયા કરી નાંખ્યો.

અરુણાચલમે જ્યારે જોયું કે એમની પત્ની પીરિયડ્સ દરમિયાન ગંદા કપડાનો ઉપયોગ કરે છે. એમને તે અનહાઈજેનિક (સ્વાસ્થ્ય માટે હાનિકારક) લાગ્યું. જ્યારે તેણે પત્નીને સેનિટરી પેડનો ઉપયોગ ન કરવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે તે સેનિટરી પેડ પરવડી શકે એમ નથી. દર મહિને એની પાછળ ઘણો ખર્ચ થાય. મુરુગનાથમને આશ્વર્ય થયું કે 10 પૈસાની કિંમતના કોટનથી બનેલું પેડ 4 રૂપિયા એટલે કે 40 ગણી વધુ કિંમતે વેચવામાં આવે છે. તે પછી અરુણાચલમે પોતે જ સેનિટરી પેડ બનાવવાનો નિર્ણય લીધો.

અરુણાચલમને જાણવા મળ્યું હતું કે દેશભરમાં ફક્ત 12 ટકા મહિલાઓ જ સેનિટરી પેડ યુઝ કરે છે. જ્યારે એમણે પેડ બનાવવાનું શરૂ કર્યું ત્યારે કોઈ તેનો ઉપયોગ કરવા ઇચ્છતું ન હતું. એમની બહેન પણ નહી. તે પછી એમણે મેડિકલ કોલેજના 20 સ્ટુડન્ટને તૈયાર કર્યા પરંતુ તેમાં પણ એમને યોગ્ય સહકાર ન મળ્યો. તે પછી તેમણે પોતે જ પેડ પહેરીને ટ્રાય કરવાનો નિર્ણય લીધો. તેમણે ફુટબોલ બ્લેડરની મદદથી એક કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું.

અરુણાચલમ માટે હજુ પણ આ એક રિસર્ચનો વિષય હતો કે આખરે સેનિટરી પેડમાં શું હોય છે. એમણે તેને અનેક લેબોરેટરીમાં એનાલિસીસ માટે મોકલ્યું. તેના રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ કોટન છે પરંતુ તે કામ નથી કરી શકતું. તે પછી તેમણે સેનિટરી પેડ બનાવતી કંપનીઓને પૂછ્યું પરંતુ તે અસલ પેડ વિશે કેવી રીતે જણાવે.

તે પછી અરુણાચલમે એક પ્રોફેસરની મદદથી અનેક મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પત્ર લખ્યો. તેમને વધુ અંગ્રેજી આવડતું ન હતું. તેમણે ફક્ત ફોન પર વાતચીત કરવા પાછળ 7 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા. આખરે કોઈંબતુરના એક કાપડના માલિકે તેમાં રસ દાખવ્યો. અરુણાચલમને સફળ સેનેટરી પેડ બનાવવામાં 2 વર્ષ અને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. પરંતુ તેમાં સૌથી મોટી અડચણ એ હતી કે મશીનની કિંમતને કેવી રીતે ઘટાડી શકાય કારણ કે એનો ખર્ચ હજારો રૂપિયામાં હતો. તેની કિંમત પાંચ લાખથી શરૂ કરીને 50 લાખ સુધીની હતી. તેમણે સખત મહેનત બાદ આ મશીન તૈયાર કર્યું જેનો ખર્ચ માત્ર 75 હજાર રૂપિયા હતો.

ત્યારબાદ એમણે 18 મહિનામાં એવા 250 મશીનો તૈયાર કર્યા અને 23 રાજ્યોના 1300 ગામોને આવરી લીધા. હવે એક મહિલા એક દિવસમાં 250 પેડ બનાવી શકે છે. તેમની આ સિદ્ધી માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે એમને સમ્માનિત કર્યા હતાં.

અક્ષય કુમાર ઈચ્છે છે કે સેનિટરી પેડ્સના ઉપયોગ વિશે સ્ત્રીઓ તથા સમાજમાં જનજાગૃતિ લાવનાર અને આવા પેડ્સ સસ્તા દરે વેચવા વિશે સરકારી તંત્રને અપીલ કરતી આ ફિલ્મ વધુમાં વધુ મહિલાઓ જુએ. આજકાલ થિયેટરોમાં ફિલ્મની ટિકિટોના ખૂબ જ ઊંચા ભાવથી વાકેફ ‘પેડ મેન’ ટીમે નક્કી કર્યું છે કે આ સામાજિક વિષયવાળી ફિલ્મને અમુક દિવસોએ માત્ર મહિલાઓ માટે મફતમાં બતાવવામાં આવે.

આમ, રાજ્ય સરકારો તો ‘પેડ મેન’ ફિલ્મને ટેક્સ-ફ્રી ક્યારે કરશે એ હજી નક્કી નથી, પરંતુ અક્ષય અને પીવીઆર સિનેમાઝે તો પોતાની રીતે મહિલાઓની સુવિધા માટે સ્પેશિયલ શોનો નિર્ણય લઈ લીધો છે.