મિક્સ સીઝનમાં તરોતાજા રહેવા માટે જાણો ઉપાય…

હાલમાં વાતાવરણમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી.સવારમાં તમે નીકળો તો  ત્વચા ઠંડકને લીધે ફાટી જાય છે અને બપોરે  ગરમીનો અનુભવ થાય છે આવી પરિસ્થિતિમાં ત્વચામાં રૂશ્રતા, ખીલ વગેરે જેવી સમસ્યા ઉભી થતી હોય છે  મિશ્ર ઋતુની સાથે સાથે અન્ય કેટલીક બાબતો પણ ચહેરાની તેમજ આખા શરીરની ત્વચાની સુંદરતા પર અસર કરતી હોય છે આપણે તેના કારણો અને ઉપાય બંને વિશે માહિતી મેળવીએ. જેથી મિશ્ર ઋતુમાં તમારી સ્કીન ચમકતી અને તરોતાજા રહે.  ત્વચા રૂશ્ર થવા માટે સિઝન ઉપરાંત કેટલાક આ પ્રકારના પરિબળ હોય છે. જેમ કે

તાણ એટલે કે સ્ટ્રેસ
શારીરિક અને ભાવનાત્મક તણાવનાં કારણે તમારી તૈલ ગ્રંથીઓ દ્વારા ઓઈલનાં ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ શકે છે. તેથી જ યોગ અને ધ્યાન કરો. તેનાથી તમારા તણાવને નિયંત્રિત કરવામાં મદદ મળશે અમે તમારી ત્વચાને ઓઈલી થવાથી બચાવશે.

કિશોરાવસ્થા
પ્યુબર્ટી દરમિયાન, અસ્થિર હોર્મોનનાં કારણે એન્ડ્રોજનના સ્તરમાં વૃદ્ધિ થઇ શકે છે, જે તમારી ત્વચાને ઓઈલી બનાવી શકે છે. એન્ડ્રોજન સ્તર વધવાથી ત્વચા ઓઈલી અથવા સિબેશન (sebaceous) ગ્રંથીઓને પરિપક્વતાનાં સંકેત આપે છે, અને જેમ-જેમ ગ્રંથી પરિપક્વ થઇ જાય છે, ત્વચા ઓઈલી બનવા લાગે છે.

ઋતુગત ફેરફાર
જોકે, પરસેવો બનાવનાર ગ્રંથીઓની ગતિવિધિ સિઝનનાં કારણે ઘણી વધારે નથી બદલાતી, પરંતુ ગરમ અને વધારે ભેજવાળી સીઝનમાં, તમારા ચહેરા પર વધારે ઓઈલી દેખાય છે.

મેકઅપ
મેકઅપ ચહેરાની ચીકાશ અને પીમ્પ્લ્સને કવર કરવાનો એક સારો ઓપ્શન હોઈ શકે છે. પરંતુ તેની સાથે જ ભારે મેકઅપ તમારી ત્વચાને ઓઈલી બનાવી શકે છે, કોસ્ટમેટિક પ્રોડક્ટ્સ ખરીદતા સમયે, ઓઈલ-ફ્રી અને નોન-કોમેડોજેનિક મેકઅપ જ પસંદ કરો.

પીરીયડ્સ
ચહેરા પર ખીલ નીકળવાનું એક મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે. દર મહિને જ્યારે તમારું શરીર હોર્મોનના ઉત્પાદનનાં રેગ્યુલર સાઈકલથી પસાર થાય છે, તો હાર્મોનલ સ્તરોમાં ઉતાર-ચઢાવ તમારી તેલ ગ્રંથીઓને ઉત્તેજિત કરી શકે છે અને તમારી ત્વચા ઓઈલી બની શકે છે.

ત્વચાની જાળવણીના ઉપાયો

ત્વચાને નિયમિતતાથી સ્વચ્છ રાખવી તે સીધો અને સરળ ઉપાય છે. આ ઉપરાંત તમે  ચકાસો કે તમારી ત્વચાના ક્યા ભાગ ઓઇલી છે અને ક્યા ભાગ ઠંડીમાં વધારે ફાટે છે. અથવા તો પવનમાં ત્વચા સૂકી થઈ જાય છે.

સામાન્ય રીતે ત્વચાનો ટી પોઝ એટલે કે નાક અને તેની આસપાસનો અને કપાળનો ભાગ વધારે ઓઇલી રહેતો હોય છે તમે આ ભાગની આસપાસ ટીશ્યૂ પેપર મૂકો અને તે ઓઇલી થઈ જાય તો આ ભાગ તૈલી સમજવો. તેથી ત્યાં ક્રીમ, લોશન વગેરે ન લગાવવુ.

આ પ્રકારની મિશ્ર ત્વચાને તમે હળદર અને લીંબુની મદદથી સાચવી શકો છો. થોડી હળદર લઇ તેમાં લીંબુ નિચોવીને આ ભાગ પર લેપની જેમ લગાવવું. જે ભાગ સૂકો હોય તેની જાળવણી માટે તમે ચણાનો લોટ કે મુલતાની માટી પણ લઈ શકોછો. દસેક મિનિટ આ લેપ લગાવીને રહેવા દેવો ત્યાર બાદ ત્વચાને સાફ કરી લેવી, આ જ લેપ તમે ગરદનના ભાગે પણ લગાવી શકો છો.

આ ઉપરાંત તમે ખીલ અને તેના ડાઘથી મુક્તિ મેળવવા ટામેટા તેમજ પપૈયાના ગરનો ઉપયોગ કરી શકો છો. તો કડવા લીમડાંના પાન પણ લસોટીને લગાવી શકો છો. તેનાથી ખીલમાં બે-ત્રણ દિવસમાં જ ફેર પડી જશે. કોણી અને ઘૂંટણ તેમજ ઘૂંટીની ત્વચા ઘણી કડક અને ખરબચડી થઈ જતી હોય છે ત્યાં તમે ઘઉંનું ખરબચડું કોરમું તેમજ કોઈ પણ સારા સ્ક્રબથી સ્ક્રબિંગ કરી શકો.

સૌથી અગત્યની વાત છે નિયમિત મોશ્ચોરાઇઝિંગ, અને  ટોનરનો ઉપયોગ કરીને ત્વચાને ચોખ્ખી કરી લેવી.આટલી સરળ નિયમિત કાળજીથી તમે કોઈ પણ સિઝનમાં ત્વચાને ચમકતી અને સ્વસ્થ રાખી શકો છો.