લોભામણાં બ્લેઝરઃ આ ફેશન એવરગ્રીન…

શિયાળાનો સમય હોય કે ઉનાળાનો  હવે યુવક યુવતીઓના વોર્ડરોબમાં બ્લેઝર અનિવાર્ય આઉટફિટ્સ બની ગયા છે કોઈ પણ ઋતુમાં પોશાક પર ફીટ બેસી જતા તેમજ વ્યક્તિત્વને નવો નિખાર આપતા બ્લેઝર ફેશનનો મહત્વનો ભાગ છે. વળી  બ્લેઝરની ખાસિયત એ કે તેને જાડાપાતળાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી પહેરી શકે છે. વળી બ્લેઝર અવનવા રંગોમાં ઉપલબ્ધ છે તેમજ  લેધરથી માંડીને ચમકતા મટિરિયલની પણ તેમાં વરાયટી મળી રહે છે .હવે જ્યારે આવું પહેરણ આટલા બધા વૈવિધ્ય સાથે મળતું હોય ત્યારે શું કામ બ્લેઝર લોકોના મનગમતા પોશાકમાં સ્થાન ન પામે.

યુવતીઓ માટે તો બ્લેઝરથી સમગ્ર વ્યક્તિત્વ બદલાઇ જાય છે. બ્લેઝરને અલગઅલગ સ્ટાઇલથી પહેરીને સ્ટાઇલિસ્ટ લુક મેળવી શકાય છે. આજકાલ ઓફ શૉલ્ડર  ટોપ પર તો બ્લેઝર પહેરી જ શકાય છે તે સિવાય વિવિધ પરિધાન સાથે મિક્સ એન્ડ મેચ કરીને ટ્રેન્ડી દેખાઈ શકાય છે. યુવક- યુવતીઓ આમ પણ ડેનિમ વધારે પહેરતા હોય  છે. અહીં અન્ય કેટલાક બ્લેઝર વિશે પણ માહિતી મેળવીએ.

 

બ્લેઝર વિથ રેપિડો જિન્સઃ આ સ્ટાઇલમાં ટી શર્ટ અને જિન્સ પર બ્લેઝર પહેરીને ટ્રન્ડી લુક મેળવી શકાય છે. તે સિમ્પલ, એલિગન્ટ અને ક્લાસી લુક આપે છે. ત્યારે ટી શર્ટ કે શર્ટ પર આ રીતે બ્લેઝર પહેરી શકાય છે.

લેપર્ડ બ્લેઝર વિથ શર્ટ: જો તમારી પાસે લેપર્ડ પ્રિન્ટમાં બ્લેઝર હોય અને તમે તે ન પહેરતા હોવ તો આવાં બ્લેઝર પર કોઇ પણ પ્લેઇન કલરનો શર્ટ કે ટોપ પહેરી તેની નીચે ટ્રાઉઝર કે એન્ક્લ લેન્થ જિન્સ પહેરી શકાય છે. ખાસ કેઝ્યુઅલ વૅરમાં જ્યારે તમે ક્યાંક ફરવા જવા ઇચ્છતા હોવ તો આ લુક ફેન્સી લાગશે.

 

બ્લેઝર વિથ ગ્રાફિક્સ ટી: બ્લેઝર સાથે ગ્રાફિક ટીની સ્ટાઇલ સેક્સી લુક આપશે, પરંતુ આ સ્ટાઇલ પહેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે બ્લેઝર સિંગલ કલરનું એટલે કે પ્લેઇન હોવું જોઇએ. બ્લેઝર અને ટી સાથે તમે હાઇ વેસ્ટેડ શોર્ટ કે સ્કર્ટ પણ પહેરી શકો છો. ખાસ કૉલેજગોઇંગ ગર્લ્સ આ સ્ટાઇલ ફૉલો કરી શકે છે. આ રીતના એક્સપરિમેન્ટ ક્યારેક અલગ લુક આપે છે.

મેક્સી ડ્રેસ વિથ બ્લેઝરઃ હાલ ફેશનમાં મેક્સીનો ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો છે. ખાસ કરીને પાર્ટી કલ્ચરમાં મેક્સી ડ્રેસ ઇન ટ્રેન્ડ છે. ત્યારે મેક્સી પર પણ તમે બ્લેઝર ટ્રાય કરી શકો છો. યોગ્ય પ્રકારના કલર કોન્ટ્રાસ્ટ સાથે જો તમે મેક્સી પર બ્લેઝર પહેરશો તો પાર્ટીઝ કે ફંક્શનમાં તમારો આ દેખાવ તમને ભીડથી અલગ હાઇલાઇટ કરશે. જોકે મેક્સી પર ક્યારેય લાંબંુ બ્લેઝર ન પહેરવું.

બ્લેઝર વિથ જમ્પસૂટઃ જમ્પસૂટ અને બ્લેઝર એક હોટ કોમ્બિનેશન છે. તે સ્ટાઇલિસ્ટ સાથે સેક્સી લુક આપે છે. જોકે જમ્પસૂટ સાથે હંમેશાં ફિટિંગવાળું બ્લેઝર જ પહેરવું. તમારા જમ્પસૂટ સાથે મેચ થાય તેવા કલરનું જ બ્લેઝર પહેરવું.