અફલાતૂન અદાકાર, શેરદિલ ઈન્સાન અમજદ ખાનની આખરી મુલાકાત

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૧ ઓગસ્ટ, ૧૯૯૨ અંકનો)


૧૯૭૫માં જ્યારે ‘શોલે’ બની રહી હતી ત્યારે ઈમ્તિયાઝ ખાને એના નાના ગોળમટોળ ભાઈ અમજદ ખાનનો પરિચય મને કરાવ્યો. હું મહેબૂબ સ્ટુડિયોઝની નજીક આવેલા ઘરમાં ઈમ્તિયાઝનો ઈન્ટરવ્યુ કરવા ગયેલો અને એ જ અમજદ ખાન ગબ્બર સિંગ બનીને છવાઈ ગયો.

‘મારા દરેક ફિલ્મના રોલને ‘શોલે’ના ગબ્બર સિંગ સાથે સરખાવવામાં આવતો.’

* એ રોલ લાભદાયક રહ્યો કે નુકસાનકારક?

– એ રોલે મને જે લાભ આપ્યો એ પ્રમાણમાં ઓછો છે કારણ ગેરલાભ જ વધુ થયા. સમસ્યા એ સર્જાઈ કે દરેક જણે આ રોલ સીમાચિન્હ બનાવીને મારે ગળે લટકાવી દીધો. મારા દરેક ફિલ્મના રોલને ‘શોલે’ના ગબ્બર સિંગ સાથે સરખાવવામાં આવતો. ‘દાદા’ની ભૂમિકા હોય કે ‘કુરબાની’ અથવા ‘લવ સ્ટોરી’ કે પછી ‘યારાના’. તેઓ મારા નામ પર શેરો મારી દેતા કે એ સારો છે પણ ‘શોલે’ વાલી બાત નહીં હૈ. લેકિન એક ફાયદા હુઆ. ‘શોલે’ મકબૂલ મશહૂર હુઆ સારી દુનિયામેં. દરેકને જાણ થઈ ગઈ કે હું સારો અદાકાર છું. ગેરલાભ એ થયો કે દરેક ધારી લેતા કે કોઈ પણ ફિલ્મનો મારો રોલ ગબ્બર સિંગનો બીજો અવતાર જ હશે. મને લાગ્યું કે પહેલા જ રાઉન્ડમાં મેં મારા હરીફને ચિત્ત કરી દીધો. તો કોની સાથે બીજો રાઉન્ડ ખેલું? કોની સાથે હું બૉક્સિગ કરું જ્યાં કોઈ હરીફ જ નહોતો બચ્યો? ‘શોલે’ અને એમાંના મારા રોલે જિંદગીમાં મંઝિલ કાયમ કરી દીધી.

* મોટે ભાગે દરેક નવોદિત ફિલ્મમાં હીરો બનવા આતુર હોય છે. તો તમે કેમ ખુંખાર વિલન બનવાનું પસંદ કર્યું?

– કારણ સાવ સાદું છે. મારા ઘરમાં આઈનો છે. હું રોજ જોઉં છું મને ખબર છે હું કેવો દેખાઉં છું. મારો ચહેરો કેવો છે. જો હું ગોગલ્સ ચડાવીને વૃક્ષોની આસપાસ ફેરફુદરડી ફરું તો મૂરખ જ લાગું. આ જ કારણસર હીરો બનવાની તમન્ના કદી મેં સેવી જ નથી. એ જમાનામાં એન્ટી હીરો હતો જ નહીં. હીરોનો ચહેરો એવો ચોકલેટી રહેતો કે માખણ મૂકો તો યે તરત જ પીગળી જાય. સાચું કહું તો હીરો બનવાની રુચિ પણ નથી. ઉપરાંત મને લાગે છે કે ચરિત્ર પ્રધાન ભૂમિકા કરતી વખતે પાત્રોના જુદાજુદા પાસાં અદા કરવાની મોજ પડે છે. હીરો તો ઢાંચામાં જ બંધાયેલો રહે. ખરી રીતે હીરોમાં એટલી બધી સારપ જ હોય છે.

* તમારા મર્હુમ પિતા જયંત પાસેથી કેટલા પ્રમાણમાં પ્રેરણા મળી?

– હું મારા વાલિદથી ખૂબ જ પ્રેરિત થયો. તેઓ મારા ગુરુ હતા અને હું ઘણું બધું એમની પાસેથી શીખ્યો છું. મને લાગે છે કે જેટલા વર્ષો એમનો સાથ રહ્યો એ દરમિયાન હું જે શીખ્યો એ છેલ્લી ઘડી સુધી મને સહાય કરશે. તેઓ માત્ર મહાન અભિનેતા જ નહોતા સાથોસાથ અદભુત ઈન્સાન પણ હતા. ૧૯૩૩માં હીરો તરીકે એમણે કારકિર્દી શરૂ કરેલી. દોઢસો ફિલ્મોમાં હીરો તરીકે ચમક્યા પછી એમણે ચરિત્ર અભિનેતા અને વિલન તરીકે નામના મેળવી. આજે હું જે કાંઈ છું એ મારા પિતાને કારણે જ છું.

* દરેક જણ તમને ‘શોલે’ના ગબ્બર સિંગ તરીકે જ જાણે છે. પડદા પાછળ તમારા બાળકો માટે તમે કેવા પિતા છો?

‘મારા ઘરની હું ઈજ્જત કરું છું. ઘણો ખરો સમય મારા પરિવાર સાથે વીતાવું છું.’

– સાચું કહું તો ભારતભરમાં સૌથી મૂરખ પિતા છું કારણ કે હું એવું વિચારું છું કે સૂર્ય ઊગે છે મારા બાળકોની પાછળ અને અસ્ત પણ એમની પાછળ થાય છે. મારા મજહબ અને માતા-પિતા પછી મારા સંતાનોને હું ખૂબ જ ચાહું છું. મારા બે પુત્રો અને એક પુત્રીનું સ્થાન કોઈ જ ન લઈ શકે. લોકો કહે છે કે મારા બાળકો સામે હું જોઉં ત્યારે ચહેરા પર એક ચમક એક આભા પ્રસરી જાય છે જો તમે સારા પિતા બનો તો જ આ શક્ય છે.

* પતિ તરીકે કેવા છો?

– પતિ તરીકે હું ખૂબ જ ઘટિયા આદમી છું કારણ મારી બીવી સાથે હું શૉપિંગ કે પાર્ટીઓમાં જતો નથી. મારો ઘણો ખરો સમય શૂટિંગોમાં કે કેટલાક સમારંભોમાં અથવા સમાજસેવા કરવામાં વીતી જાય છે. હું એવો પતિ નથી જે પત્નીને કહું ચલો સજ-ધજકે કોઈ પાર્ટીમાં જઈએ. હું મારી બીવીને ખૂબ જ પ્યાર કરું છું પરંતુ સામાજિક દ્રષ્ટિએ નકામો પતિ છું. મારા ઘરની હું ઈજ્જત કરું છું. ઘણો ખરો સમય મારા પરિવાર સાથે વીતાવું છું.

* તમે ફિલ્મોમાં વ્યસ્ત હો ત્યારે પરિવાર સાથે સમય ક્યાંથી વીતાવી શકો?

– આજકાલ ફિલ્મ મેકર્સ કંબાઈને કલાકારો પર રોજની એક જ શિફ્ટની મર્યાદા લાદી દીધી છે. એક સમય એવો હતો જ્યારે અમે રોજની છ થી આઠ શિફ્ટો કરતા હતા. ત્યારેય મારા બાળકો માટે હું સમય ફાજલ પાડતો હતો. મારી સાથે એમને શૂટિંગોમાં લઈ જતો. વૅકેશન હોય ત્યારે આઉટડૉર પણ લઈ જતો. જે દિવસે શૂટિંગ ન હોય ત્યારે ઘેર રહેવાનું પસંદ કરતો કારણ ઘર બૈઠે બૈઠે ઘણા કામ પૂરા કરી શકાય. ઈન્સાન કા સબ સે બડા ફર્ઝ હોતા હૈ કિ વો અપને પરિવાર કો સમય દે. બીજાઓની માફક તમે મને ફુરસદના સમયે આમ તેમ રખડતો નહીં જુઓ.

* અદાકાર તરીકે તમે આટલા વ્યસ્ત હતા છતાં દિગ્દર્શનનું જોખમ કેમ ઉપાડ્યું?

– મને નથી લાગતું કે એ જોખમ હતું. દરેક કલાકાર બંધાયેલો રહે છે. કોઈક એને સંવાદો કેમ બોલવા એની તાકીદ કરે છે. તો કોઈક ટેમ્પો શીખવે છે. કૅમેરામૅન તમને લાઈટિંગના હિસાબે ક્યાં ઊભા રહેવું એ જણાવે છે તેથી એ કઠપૂતળી જેવો જ હોય છે એટલે કભી ના કભી તો કઠપૂતળીનોય દોર પોતાના હાથમાં લેવાનું મન થાયને. ડાયરેક્શન કા એક અપના નશા હોતા હૈ. મહત્ત્વનું એ છે કે તમારી ફિલ્મ સારી બનવી જોઈએ. ટિકિટ બારીએ ચાલે કે ન ચાલે એ જુદી વાત છે.

* ‘ચોરપોલીસ’ અને ‘અમીર આદમી ગરીબ આદમી’ની નિષ્ફળતા પછી કેમ તમે બીજી કોઈ ફિલ્મ ન બનાવી?

– તમને કોણે કહ્યું? મેં મારા સેક્રેટરી વિનયકુમાર સિંહા માટે ભોજપુરી ફિલ્મ બનાવી. એ સુપરહિટ સાબિત થઈ. ગુલશનકુમાર માટે મેં એક ટીવી ફિલ્મ ‘અભી તો મૈં જવાન હૂં’ પણ બનાવી હતી.

* સંગીતમાં કેટલા ડૂબેલા છો?

– ફિલ્મ અદાકાર, નાટકનો અદાકાર કે ડાન્સર સૌને સંગીતનો સંબંધ સાંકળી જ રાકે છે. જહાં તક મેરા તાલ્લૂક હૈ અદાકારીમાં એક તાલ-રીધમ હોય જ છે. જેને સંગીત ન ગમે એ ખાલી જ હોય. રંગ વિહીન હોય. સંગીત તો જિંદગીનો મહત્ત્વનો હિસ્સો છે. સંગીત સાંભળીને તમે નિરાંત અનુભવી શકો છો. એ દવાની ગરજ સારે છે. મારામાં ગાવાની હિંમત નથી કારણ હું નથી ચાહતો કે હું ગાઉં ત્યારે આસપાસ કે તમામ બકરે ઔર બૈલ જમા હો જાયે. પરંતુ સંગીતનો જબરો રસિયો જરૂર છું.

* તમને કેવા રોલ્સ, ભજવવા ગમે?

– મને કૉમેડી રોલ્સ ભજવવા ગમે કારણ રોજ બરોજના જીવનમાં લોકોને જાત જાતના ટેન્શન સતાવે છે. રેશન ન મળે તો ટેન્શન, બાળકના ઍડ્મિશનના ડૉનેશનનું ટેન્શન, પત્ની નવી સાડીની માંગણી કરે તો યે ટેન્શન, એટલા માટે પડદા પર કૉમેડી કરીને એટલો વખત લોકોને હસાવું તો થોડો ટાઈમ ચિન્તામુક્ત તો કરી શકું. ખરું ને?

* કૉલેજના દિવસો વાગોળી શકશો?

– એ દિવસોમાં હું તોફાની જાનવર જ હતો. મારામારી, લડાઈ ઝગડા કરતો જ રહેતો. જો કે એ બધું કારણસર જ કરતો. હું બીજાઓ માટે ઝગડતો. અંગત ઝગડો ન કરતો. એમ.એ. પાસ થયો ત્યાં સુધી માંડ છ લેક્ચરો સાંભળ્યા હશે. હું ક્લાસમાં પુષ્કળ મસ્તી કરતો એથી મારા પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકો મને ક્લાસમાં હાજર ન રહેવાનું કહેતા અને મારી હાજરી પૂરતા.

* તમે જવાન હતા ત્યારે નાટકોમાં વ્યસ્ત હતા. આજે એ ખોટ સાલે છે?

– તમે એવી વાત કરો છો જાણે હું ૩૦ વર્ષનો ડોસો હોઉં. આજેય મારા વાળ ધોળા નથી થયા. મારા દાંત મજબૂત છે. નાટકોમાં કામ એટલા માટે નથી કરતો કે એના માટે પુષ્કળ સમય ફાળવવો પડે. રોજના આઠ કલાકના રિહર્સલો કરવા પડે. માત્ર પોતાને ખાતર નહીં પણ અન્ય કલાકારો ખાતર રિહર્સલો તો કરવા જ પડે. ટેક્નિશિયનો અને સાઉન્ડ ડિપાર્ટમેન્ટ પણ રિહર્સલો માંગે. જે ફિલ્મોમાં વ્યસ્ત હોઈએ તો આટલો બધો સમય નાટકો માટે ફાળવી ન જ શકાય. સતત ત્રણ મહિના નવરો પડું તો જરૂર નાટક કરું.

* ‘માયા’માં બાળ કલાકાર તરીકે તમે કારકિર્દી શરૂ કરેલી?

– નહીં ‘માયા’ અગાઉ પણ ‘ઈન્સાનિયત’માં દેવસાબ, દિલીપસાબ અને મારા ડેડ જયંતસાબ સાથે બાળ કલાકાર તરીકે મેં કામ કર્યું હતું. રાજ કપૂર નિર્મિત અને અમરકુમાર નિર્દેશિત ‘અબ દિલ્હી દૂર નહીં’માં પણ હું હતો. મારા અંકલે ‘નાઝનીન’ ફિલ્મ બનાવી. ત્યારે ચાર વર્ષની ઉંમરે હું ચમક્યો હતો. નાસિર ખાન હીરો હતા. અને હીરોઈન હતી મધુબાલા. આજે હું ૪૮નો થયો. એનો અર્થ ઈન્ડસ્ટ્રીમાં મેં ૪૪ વર્ષો ગાળ્યા. સિનિયોરિટીની દ્રષ્ટિએ ઘણા પીઢ અભિનેતાઓથી હું સિનિયર ગણાઉં. એટલું જ નહીં આ ઈન્ડસ્ટ્રીના વૃદ્ધ લોકો કરતાં પણ હું સિનિયર છું.

* તમારા ફેવરીટ કલાકારો કોણ છે?

– મધુબાલા મારી હંમેશાં ફેવરીટ રહી છે. એની હસવાની સ્ટાઈલ, સંવાદો બોલવાની લઢણ, અભિનય છટા મને ખૂબ ગમતી. અદભુત ઈન્સાન અને ખૂબસૂરત સ્ત્રી હતી. બીજી ઘણી હીરોઈનો કરતાં મધુબાલા પછી નરગીસ અને ગીતા બાલી પણ ગમતા. તેઓ અનુકરણ કરવા યોગ્ય અભિનેત્રીઓ હતી. એ જમાનામાં આ ત્રણેય અભિનેત્રીઓ પૂરી ફિલ્મનો ભાર ઊંચકી શકતી. મને નથી લાગતું કે આજની કોઈ હીરોઈન મધુબાલા, નરગીસ કે ગીતા બાલીની નજીક આવી શકે.

* તમારો પ્રિય ગાયક?

– નિ:શંક રીતે રફીસાબ. જબ તક હિંદુસ્તાની ફિલ્મ સંગીત રહેગા તબ તક રફીસાબકા નામ અમર રહેગા. રફીસાબ સૌથી ઘટિયા ગીત પણ એવા હાવભાવ અને અંદાજથી ગાતા કે રંગ જામતો. એમના સ્વરમાં જાદુ હતો. રફીસાબનો જબરો પ્રશંસક છું. રફીસાબ, કિશોરદા અને મુકેશજી તો એમની કલાના બાદશાહ હતા. આજનો કોઈ ગાયક એમની તોલે ન આવે. મને રફીસાબે ગાયેલું ‘હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે’. ખૂબ જ પસંદ છે.

* તમારી જિંદગીનો સૌથી મોટો અફસોસ કયો?

– મારા પિતાજી ‘શોલે’  જોવા ન પામ્યા કારણ કે દોઢ મહિના પૂર્વે જ એમનું મૃત્યુ થયેલું. એ અફસોસ રહી ગયો છે.

* આજકાલ ફિલ્મો કેમ ઓછી કરો છો?

– છેલ્લાં ૧૯ વર્ષોમાં લગભગ ૩૫૦ ફિલ્મો કરી. હવે કંટાળી ગયો છું. મારા મગજમાં જે પાત્રો સંઘરી રાખેલા એ બધા ભજવી નાખ્યા. હવે કોઈ એવું પાત્ર બચ્યું નથી. જૂની ફિલ્મો પૂરી કરવી છે. એથી નવી સ્વીકારતો નથી. એનએફડીસીની  ‘રૂદાલી’માં મારાં ગણ્યાગાંઠ્યા પાંચ જ સીન છે પણ કલ્પના લાજમીના દિગ્દર્શનમાં કામ કરવાની મજા પડી.

* આર.ડી. બર્મન સાથેની આત્મીયતાની વાત કરોને?

સંગીતકાર આર.ડી. બર્મન અને અમજદ ખાન અચ્છા દોસ્ત હતા

– બીજા એને પંચમદા કહે છે. હું એને પંચ અથવા ચમ કહું છું. સુરીલા અચ્છા બંદા હૈ. ચૂંકિ નસલ (ખાનદાન) અચ્છી હૈ. એસ.ડી. બર્મન સાબ કા લડકા હૈ. રજવાડી ખાનદાન છે. ક્યારેક તો ફોન કરીને રાત્રે સાડા આઠે ખાવાનું મંગાવે ડ્રાઈવર આવીને કહે સાબનો મૂડ નથી તેથી પાર્સલ ઘરે લઈ જાય. ક્યારેક આવે, અમારી સાથે જમે અને લંચ કે ડિનર પતે એટલે હાથ ધોઈને અદ્રશ્ય થઈ જાય. બરસાત કા મેંઢક (દેડકો) જેવો છે. જો મળે તો રોજ મળે નહીંતર છ મહિના સુધી મોઢું ન દેખાડે. એ ગમે ત્યાં હોય ‘આંધી’ની એની તર્જ ‘કિસી મોડ પે’ મને ખૂબ જ પરેશાન કરે છે.

* સત્યજિત રે વિષે કંઈ કહો?

– રે તો આપણા દેશનું રતન હતા. હયાત હતા ત્યારે જ ‘ભારત રત્ન’, ‘ઑસ્કાર’ અને શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવૉર્ડ મળ્યા એ દેશની ખુશનસીબી છે. આટલી પદ્ધતિપૂર્વક અને સંપૂર્ણતાથી કામ કરવાની સ્ટાઈલ મેં બીજા કોઈની જોઈ નથી. કલાકારોના સૂચનો ધીરજથી સાંભળે યોગ્ય લાગે તો ઉપયોગ પણ કરે. સેટ પર એ સૂચનનું શ્રેય પણ આપે. એમને કદી એવું નહોતું લાગતું કે તેઓ એટલા મહાન છે.

* તમારું મનગમતું ગીત કયું?

– ‘વક્ત ને કિયા ક્યા હંસી સીતમ’ જ્યારે પણ સાંભળું છું ત્યારે ગુરુ દત્ત, ગીતા દત્ત, તરુણ, અરુણ અને મીના યાદ આવ્યા વિના રહેતા નથી. ગુરુ અને ગીતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણું ઘણું આપ્યું છે.

સહુના સાથી અમજદભાઈ

અમિતાભ બચ્ચન

‘શોલે’ના કલાકારોઃ અમિતાભ, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, અમજદ ખાન

‘શોલે’ના સેટ પર અમે પહેલી વાર મળ્યા ત્યારથી જ અમને પરસ્પર ફાવી ગયું. અમે એકમેકને ટૂંકા ઉપનામથી સંબોધતા. ‘શોલે’માં અમે સામસામે બાખડ્યા. ‘લાવારિસ’માં અમજદે મારા પિતાની ભૂમિકા અદા કરી. ‘યારાના’માં મારો રમૂજી જીગરી દોસ્ત બની ગયો. સાથી કલાકાર તરીકે એ અદભુત હતો. અને સામી વ્યક્તિ પાસે ઉત્કૃષ્ટ કામ કરાવતો. એની પ્રતિક્રિયા જ એવી જબરદસ્ત રહેતી કે ટક્કર ઝીલવાનું મન થાય.

અમજદમાં વિચિત્ર રમૂજવૃત્તિ હતી. ગંભીર ચહેરે એ બુદ્ધિપૂર્વક રમૂજી ટુચકા સંભળાવતો. વાસ્તવમાં કેટલોક સમય અમે મળતા નહોતા. પરંતુ થોડા સમય અગાઉ એણે મને બે ટુચકાઓ કહેવા ફોન કરેલો. એની ઈચ્છા હતી કે એની આગામી ફિલ્મ લંબાઈ (હું) ચૌડાઈ (અમજદ)માં હું કામ કરું. સર્વ પ્રથમ અલાહાબાદની ચૂંટણીઓમાં ગૂંથાયેલો રહ્યો અને પછી બીમારીએ જકડી લીધો તેથી આ ફિલ્મ તો અમે સાથે ન કરી શક્યા પરંતુ મેં એને ક્યારેક સાથે કામ કરવાનું વચન આપેલું.

જો પેલી કહેવત સાચી હોય કે ભોળા લોકો દર મિનિટે જન્મે છે તો હું કહીશ કે અમજદ ખાન દર ત્રીસ સેકંડે જન્મ્યો હતો. કોઈ વળતરની અપેક્ષા વિના દીન-દુ:ખિયાને એ સહાય કરતો. સિને આર્ટિસ્ટસ ઍસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે એણે વિનામૂલ્ય સુંદર સેવા બજાવી હતી. અભિનેતાઓની સમસ્યાનો તોડ કાઢવામાં એ સદા મોખરે રહેતો. હું કેટલાક મિત્રો સાથે ગપ્પા મારતો હતો ત્યારે રાતે અગિયાર વાગે મને એના મોતના સમાચાર મળ્યા. હું સાચું જ ન માની શક્યો તેથી ખાતરી કરીને હું એને ઘેરે ગયો ત્યારે રસ્તામાં પણ સતત એવું ઝંખ્યા કરતો કે સમાચાર ખોટા સાબિત થાય.

રમેશ સિપ્પી

સિપ્પીની ‘શોલે’: ‘યહ હાથ હમકો દે દે ઠાકુર’ (અમજદ ખાન, સંજીવ કુમાર)

પહેલી વાર મેં અમજદ ખાનને નાટકમાં અભિનય કરતો જોયો ત્યારે ઘરેડ બહારનો એનો અભિનય મને આકર્ષી ગયો. ઈમ્તિયાઝના દિગ્દર્શન હેઠળ રંગભેદની સમસ્યા વિષેનું અંગ્રેજી નાટક હતું. ‘ટુ ધીસ નાઈટ ધ ડૉન’ એમાં એણે નીગ્રોની ભૂમિકા કરેલી. મારી બહેન સોની પણ એ નાટકમાં હતી. એની છાપ વર્ષો સુધી સંઘરાઈ રહી. ‘શોલે’ અંતિમ શ્ર્વાસ સુધી રહેશે.

(જ્યોતિ વેંકટેશ)


પૂછપરછઃ સવાલ-જવાબ

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના અંકોમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)


કઈ ધાર્મિક ફિલ્મ સુપરહિટ બનેલી? (જી – 1/15 સપ્ટેંબર, 1998)

પ્રકાશ જોશી (આદિતપરા)

સવાલઃ કઈ ધાર્મિક ફિલ્મ સુપરહિટ બનેલી? એના નિર્દેશક અને સંગીતકાર કોણ હતા?

જવાબઃ 1975માં ‘જય સંતોષી મા’ ફિલ્મે તે જમાનામાં 6 કરોડ રૂપિયાનો ધંધો કરીને વિક્રમ નોંધાવ્યો હતો. એના નિર્દેશક હતા વિજય શર્મા અને સંગીતકાર હતા સી. અર્જુન.


જયંતની પ્રથમ અને છેલ્લી ફિલ્મ? (જી – 16-30 જૂન, 1992)

બાલાભાઈ ચાવડા (ધારી)

સવાલઃ અમજદ ખાનના પિતા જયંતની પ્રથમ અને છેલ્લી ફિલ્મ?

જવાબઃ પ્રથમ ફિલ્મ ‘ચેલેન્જ’ હતી, છેલ્લી ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ હતી.