આઈપીએલની તારીખો બદલાઈઃ હવે 15 એપ્રિલથી શરૂ થશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સિઝનને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા આ ટુર્નામેન્ટ 29 માર્ચથી શરુ થવાની હતી પરંતુ હવે આઈપીએલ 15 એપ્રિલથી આયોજિત કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ આઠેય ફ્રેન્ચાઈસીઝને આની જાણકારી પણ આપી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બીસીસીઆઈના અધિકારીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, નક્કી કરવામાં આવ્યું છે કે દુનિયાની સૌથી મોટી અને મોંઘી ક્રિકેટ લીગની મેચ હવે 15 એપ્રિલથી રમાશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપના કારણે રાજનૈતિક, અધિકારિક, સંયુક્ત રાષ્ટ્ર/આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પરિયોજના વિઝાને છોડીને અન્ય તમામ વર્તમાન વિઝા 15 એપ્રીલ સુધી સ્થગિત રહેશે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 76 જેટલા કેસો સામે આવ્યા છે.

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્પષ્ટ કર્યું છે કે અમે આ આયોજનને રોકીશું નહી પરંતુ સરકારી દિશાનિર્દેશોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. વિદેશ મંત્રાલયે પણ ટૂર્નામેન્ટની તારીખને આગળ વધારવાની સલાહ નહોતી આપી પરંતુ તેણે આ નિર્ણય પૂર્ણ રીતે આયોજકો પર છોડી દીધો હતો.

બીસીસીઆઈના અધિકારીઓ આવતીકાલે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક શરુ થતા પહેલા ટૂર્નામેન્ટની ફ્રેન્ચાઈઝી ટીમોના માલીકો સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ જ આના પર ચર્ચા કરવામાં આવશે.