પ્રવાહી કણક વડે બનાવો પરોઠા

પરોઠા વણ્યા વિના ના બને એટલું આપણે જાણીએ છીએ. પણ આ હકીકત કે માન્યતાને તમે બદલી નાખશો, જ્યારે પ્રવાહી લોટ વડે બનતા પરોઠાની નીચે આપેલી રીત વાંચશો!


સામગ્રીઃ 

  • ઘઉંનો લોટ 1 કપ
  •  લસણ ખમણેલું 1 ટે.સ્પૂન
  •  કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  •  મીઠું ½ ટી.સ્પૂન અથવા સ્વાદ મુજબ
  •  ઓગાળેલું માખણ 1 ટે.સ્પૂન

રીતઃ એક બાઉલમાં ઘઉંનો લોટ તેમજ ખમણેલું લસણ, સમારેલી કોથમીર તેમજ મીઠું મેળવીને તેમાં થોડું થોડું પાણી ઉમેરો અને ઢોસા જેવું પાતળું ખીરૂ થાય તેવું ખીરૂ બનાવો. ત્યારબાદ તેમાં ઓગાળેલું માખણ ઉમેરી દો.

એક નોન સ્ટીક પેન ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં એક ચમચો ખીરૂ રેડીને નાના પરોઠાની સાઈઝમાં ફેલાવી દો. ગેસની આંચ મધ્યમ રાખવી. થોડી થોડી વારે આ પરોઠું ઉથલાવીને તવેથા વડે ચારેકોરથી શેકી લો. પરોઠું તૈયાર થવા આવે એટલે તેની પર ½ ટી.સ્પૂન ઘી ચોપળીને નીચે ઉતારી લો.

આ પરોઠા નાસ્તામાં દહીં અથવા ચા સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. તેમાંય મિત્રો સાથે ગપ્પાગોષ્ઠિ કરતાં કરતાં આ પરોઠાનો નાસ્તો હોય તો જલસો પડી જાય બાકી!