ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી બની જાય છે વેજ ગોલ્ડન ટિક્કી! તળ્યા વગરની ટિક્કી ફ્રીજરમાં 15 દિવસ સુધી રાખી શકાય છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ટિક્કી તળીને ખાવામાં લઈ શકાય છે!
સામગ્રી:
ચણાનો લોટ 1/2 કપ, 1/2 કપ રવો, 1/4 ટી સ્પૂન હળદર, ચપટી હિંગ, 1 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટી સ્પૂન જીરું પાવડર, 1 ટી સ્પૂન ચાટ મસાલો (ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર લેવો અને એ પણ ના હોય તો એના વગર ચાલશે) 1/2 ટી સ્પૂન ધાણાજીરુ, 1 કપ ફુદીનો તેમજ કોથમીર ધોઈને સુધારેલા, 1 કાંદો ઝીણો સમારેલો, 1 સિમલા મરચું ઝીણું સમારેલું, 3 લાલ મરચાં ઝીણાં સમારેલાં, લીંબુનો રસ બે-ત્રણ ટી સ્પૂન, રેડ ચીલી ફ્લેક્સ હોય તો 1 ટી સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે
વઘાર માટે: 1/2 ટી સ્પૂન અજમો, 2 ટી સ્પૂન તેલ, ચપટી હિંગ ૧ ટી.સ્પૂન લસણ ઝીણું સમારેલું, ૧ ટી-સ્પૂન આદુ ઝીણું સમારેલું
એક મોટા બાઉલમાં સ્વાદ મુજબ મીઠું, હળદર તેમજ હીંગ નાખીને ચણાનો લોટ તેમજ પાણી નાખીને મિક્સ કરો. છાશ જેટલું પાતળુ ખીરું બનાવો.
એક કઢાઈમાં બે ચમચી તેલ નાખીને તેલ ગરમ થાય એટલે અજમો, લસણ, હિંગ તેમજ આદુ વઘારીને ખીરું ઉમેરી દો. ગેસની આંચ મધ્યમ રાખીને ખીરું હલાવતા રહો, જ્યાં સુધી ખીરું બાંધેલા લોટ જેવું ઘટ્ટ ના થાય. ખીરું લોટ જેવું ઘટ્ટ થાય એટલે તેમાં ૧ ટી.સ્પૂન તેલ ઉમેરીને મિક્સ કરી દો અને ગેસ બંધ કરી દો.
ખીરું થોડું ગરમ હોય ત્યારે જ એમાં લાલ મરચા પાઉડર, જીરું પાઉડર, ચાટ મસાલો ધાણાજીરું, ફુદીનો, કોથમીર, કાંદા તેમજ સિમલા મરચાં ઝીણાં સમારેલા, એક લીંબુનો રસ, બે-ત્રણ લીલા મરચાં ઝીણાં સમારેલા મિક્સ કરી દો. હવે એક થાળીમાં એક ટીસ્પૂન જેટલું તેલ લગાડીને આ લોટ એ થાળીમાં એકસરખો ફેલાવીને થાપી દો. ઝારા અથવા ચપટા તળિયાની વાટકી વડે એકસરખો ફેલાવી દો. તેની જાડાઈ કટલેસની જાડાઈ જેટલી હોવી જોઈએ. થાળીને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો. તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો.
15 મિનિટ બાદ આ મિશ્રણમાંથી તમને ગમતા આકારની ટિક્કી કટ કરી લો. ગોળ આકારની જોઈતી હોય તો નાનકડા ઢાંકણા અથવા નાની વાટકી વડે બધી કટ કરી લો.
એક ફ્રાઈંગ પેનમાં થોડું તેલ ઉમેરીને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પેનમાં આવે એટલી ટિક્કી ગોઠવીને ગેસની આંચ મધ્યમ કરી લો. ટિક્કી ગોલ્ડન રંગની ક્રિસ્પી થાય એટલે એને ઉથલાવીને બીજીબાજુએથી પણ એ રીતે શેલો ફ્રાય કરી લો. તમે ઈચ્છો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો.
તૈયાર થયેલી ટિક્કી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસો.
