રતાળુ કે શક્કરીયા ઘરમાં ઉપલબ્ધ હોય તો ઉપવાસમાં ફરાળ માટે તેની ખિચડી બનાવી શકાય છે!
સામગ્રીઃ
- રતાળુ અડધો કિલો
- બટેટા 1-2
- લીલા મરચાં તેમજ આદુની પેસ્ટ 3 ટે.સ્પૂન
- તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
- સિંધવ મીઠું સ્વાદ મુજબ
- શેકેલા શીંગદાણાનો અધકચરો ભૂકો 2 ટે.સ્પૂન
- લીલા નાળિયેરની છીણ 2 ટે.સ્પૂન
- સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- દાડમના દાણા 2 ટે.સ્પૂન,
રીતઃ રતાળુને ધોઈને છોલી લો. ત્યારબાદ એક છીણી લઈ તેમાં રતાળુ છીણી લો. તે જ રીતે બટેટાને પણ છોલીને છીણી લો.
રતાળુ તેમજ બટેટાની છીણ લઈ તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સ્વાદ મુજબ સિંધવ મીઠું તેમજ શેકેલા શીંગદાણાનો ભૂકો મેળવી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કર્યા બાદ રતાળુ-બટેટાની છીણને એમાં મિક્સ કરીને કઢાઈ ઢાંકીને 10 મિનિટ ગેસની ધીમી આંચે થવા દો.
10 મિનિટ બાદ ખિચડીની ઉપર નાળિયેરની છીણ, તેમજ દાડમના દાણા અને સમારેલી કોથમીર ભભરાવી દો. ફરીથી કઢાઈ ઢાંકીને 3-4 મિનિટ રાખ્યા બાદ ગેસ બંધ કરી દો. ત્યારબાદ ખિચડી પીરસો.
