ભરેલા મરચાના ભજીયા

વરસતા વરસાદમાં ચટપટા ભરેલા મરચાના ભજીયા ખાવાની ખરેખર મઝા પડી જાય! જો કે, મરચાંનું નામ લેતાં જ તીખાશ ધ્યાનમાં આવી જાય! પરંતુ આ ભાવનગરી મરચાં તીખા નથી હોતાં! છતાં મરચાંની તીખાશ ઓછી કરવાનો પણ ઉપાય અહીં આપ્યો છે! તો બનાવી લો મરચાના ભજીયા!

સામગ્રીઃ

  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • ભાવનગરી મરચાં 15
  • લસણની કળી 20
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • બાફેલા બટેટા 2
  • ચણાનો લોટ 2 કપ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • તેલ તળવા માટે
  • મિક્સ ફરસાણ ½  કપ
  • ચણાના લોટના ગાંઠીયા 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • સાકર 1 ટી.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન

રીતઃ મિક્સીમાં લસણની કળીઓ વાટી લો. લસણનું પેસ્ટ કાઢીને તેમાં આખા ધાણા તેમજ વરિયાળી અને સાકર અધકચરી પીસી લો. ત્યારબાદ તેમાં મિક્સ ફરસાણ ઉમેરી તેને મિક્સરના પલ્સ મોડમાં અધકચરું વાટી લો જેથી ફરસાણમાંથી તેલ પણ છૂટું ના થાય અને ક્રન્ચી રહે. ત્યારબાદ એક બાઉલમાં મિશ્રણ કાઢીને તેમાં મરી પાઉડર, લીંબુનો રસ, હીંગ, સમારેલી કોથમીર, મરચાં પાઉડર, હળદર તેમજ ધાણાજીરૂ પાઉડર, લસણનું પેસ્ટ મેળવી દો.

લીલા ભાવનગરી મરચાંને ધોઈને તેમાં ચપ્પૂ વડે લાંબો ચીરો પાડીને તેમાંથી બીયાં કાઢી લો.

એક વાસણમાં મરચાં ડૂબે તેટલું પાણી ઉકાળીને 1 ચમચી જેટલું મીઠું તેમજ 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને મરચાં 15 મિનિટ માટે ઢાંકીને ડૂબાડી રાખો. જેથી મરચાં થોડા નરમ થાય, તેમાંની તીખાશ ઓછી થાય અને તેમાં લીંબુ તેમજ નમકનો સ્વાદ પણ આવી જાય. મરચાં બહાર કાઢી લીધા બાદ સ્ટીલની ચાળણીમાં ઉભાં રાખી દો. જેથી પાણી નિતરી જાય. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો મસાલો ભરી લો. મસાલાને અંગૂઠા વડે અંદર દાબીને ભરી લેવો.

એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં 2 ટે.સ્પૂન ચોખાનો લોટ, હીંગ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરીને ભજીયાનું ખીરું તૈયાર  કરી લો. ખીરું મધ્યમ ઘટ્ટ હોવું જોઈએ. ખીરુ તૈયાર થાય એટલે 2 મિનિટ સુધી તેને ફેંટી લો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી દો. ભજીયા તળતી વખતે ખીરામાં ચપટી ખાવાનો સોડા નાખી, તેની ઉપર 3-4 ટીપાં લીંબુનો રસ રેડી ઉપરથી 1 ચમચી ગરમ તેલ રેડીને ફરીથી ચમચી વડે એકસરખું મિક્સ કરી લો.

મસાલો ભરેલા મરચાંને ડીચાંથી પકડીને ખીરામાં ડૂબાડીને ઉભાં કરો. જેથી તેની ઉપર વધારાનું ખીરું નીકળી જાય. તરત જ મરચાંને તેલમાં તળવા માટે હળવેથી નાખો. ગેસની આંચ ધીમી મધ્યમ રાખીને મરચાં તળી લો.

તૈયાર મરચાંને ખજૂરની ગળી ચટણી સાથે પીરસો.