રસોઈમાં કયું શાક બનાવવું એ તો રોજની મથામણ છે. પૌષ્ટિકતાસભર સોયાબીન વડીનું શાક ઘણી વાર નથી ભાવતું. પણ જો એના કોફ્તા ગ્રેવી સાથે બનાવવામાં આવે તો લાજવાબ સબ્જી બને છે!
સામગ્રીઃ
- સોયાબીન વડી 10 ગ્રામ
- બાફેલો બટેટો 1
- કાંદા 3
- ચણાનો લોટ 2 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર ½ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન
- આદુ 3 ઈંચ
- લસણ 7-8 કળી
- ટામેટાં 4
- તેલ
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
વધાર માટેઃ
- જીરૂ ½ ટી.સ્પૂન
- એલચી 2
- લવિંગ 2
- તજનો ટુકડો 1 ઈંચ
- તમાલ પત્ર 1
- તેલ
- ચણાનો લોટ 1 ટે.સ્પૂન
- ઘી 1 ટે.સ્પૂન
- આખા સૂકા લાલ મરચાં 2
રીતઃ સોયાબીનને ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિચોવી લો.
મિક્સીમાં આદુના ટુકડા કરીને નાખી, લસણની કળી ઉમેરી દો. લીલા મરચાં તેમજ અડધો કપ કોથમીર મેળવીને અધકચરું પેસ્ટ વાટીને એક બાઉલમાં કાઢી લો.
સોયાબીન એકદમ કોરા થઈ જાય એટલે તેને મિક્સીમાં અધકચરા વાટી લો. આદુ-મરચાંની પેસ્ટમાં મેળવી દો. તેમાં બાફેલો બટેટો ખમણીને તેમજ 1 કાંદો બારીક સમારીને મેળવો. ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું મેળવી દો. આ બધી સામગ્રીને મિક્સ કરીને તેના ગોળા વાળી લો.
કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ રાખીને સોયાબીન કોફ્તા સોનેરી રંગના તળીને એક વાસણમાં કાઢી લો. સોયાબીન તેલમાં તળવા માટે ઉમેર્યા બાદ થોડીવાર એને હલાવ્યા વિના થવા દો. નહીંતર તે તૂટી જશે.
ટામેટાંની પ્યુરી બનાવી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કરી એલચી, લવિંગ, તમાલ પત્ર, તજ મેળવીને 2 કાંદા ઝીણાં સમારીને ઉમેરી દો અને સોનેરી રંગના સાંતળી લો. ત્યારબાદ તેમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું મેળવીને ટામેટાં પ્યુરી ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. જો પ્યુરી વાસણમાં ચોંટતી હોય તો 2 ચમચી જેટલું પાણી મેળવી દો.
એક વઘારીયામાં ઘી ગરમ કરીને તેમાં 1 ટે.સ્પૂન ચણાનો લોટ ગુલાબી રંગનો શેકી લો. આ લોટ ટામેટાંની પેસ્ટ શેકાઈ જાય એટલે તેમાં મેળવીને 1 ગ્લાસ જેટલું પાણી મેળવી દો. ગ્રેવી થોડી પાતળી હોવી જોઈએ. કેમ કે, કોફ્તા ઉમેરવાથી તે ઘટ્ટ થઈ જશે. આ ગ્રેવી થોડી ઉકળે એટલે તેમાં કોફ્તા હળવેથી મેળવીને, સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.
જો જમવાને ઘણી વાર હોય તો, ગ્રેવીમાં કોફ્તા ના ઉમેરતાં, જમતી વખતે નાની ડીશમાં સોયાબીન કોફ્તા મૂકીને તેની ઉપર ગ્રેવી રેડીને ડીશ પીરસો.
