રવાની ખાંડવી

રવાની ખાંડવી? તે પણ ઈન્સ્ટન્ટ? વળી બનાવવામાંય કોઈ કડાકૂટ નહીં? તો જાણી લો સ્વાદિષ્ટ નાસ્તાની આ વાનગી કઈ રીતે બને છે!

સામગ્રીઃ

  • ઝીણો રવો ½ કપ
  • ઘઉંનો લોટ 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • દહીં ½ કપ
  • પાણી ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • લીલો કાંદો 2 ટે.સ્પૂન (optional)
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8
  • લીલા મરચાં 2

રીતઃ એક બાઉલમાં ઝીણો રવો, ઘઉંનો લોટ, મીઠું સ્વાદ મુજબ, દહીં ½ કપ તેમજ પાણી ½ કપ મેળવી લો અને સૂપ ગાળવાની સ્ટીલની ગળણી અથવા એવી જ અન્ય ચાળણીમાં આ મિશ્રણ ગાળી લો. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

10 મિનિટ બાદ તેમાં આદુ ખમણીને નાખો. લીલા મરચાં, કોથમીર તેમજ લીલા કાંદાના પાનને સમારીને મેળવો (લીલા કાંદાને (skip) કરી શકો છો). હવે તેમાં જીરૂ તેમજ ચિલી ફ્લેક્સ પણ મેળવી દો. આ મિશ્રણ પાતળું બનશે.

એક થાળીમાં તેલ ચોપડી દો. હવે આ મિશ્રણમાંથી બે કળછી ખીરું થાળીમાં રેડી દો અને થાળી હલાવીને આ પાતળું ખીરું ફેલાવી દો.

ઢોકળા બાફીએ તેમ એક કઢાઈમાં સ્ટેન્ડ મૂકી એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે થાળી સ્ટેન્ડ પર મૂકીને કઢાઈ ઢાંકી દો અને 4 મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ થાળી નીચે ઉતારી લો. બાકીનું ખીરું પણ આ જ રીતે તૈયાર કરી લો.

થાળીમાં બફાયેલી ખાંડવીને ચપ્પૂ વડે ઉભા કાપા પાડીને ખાંડવીના લાંબા રોલ તૈયાર કરી લો. આ રોલને 1 ઈંચના ટુકડામાં કટ કરીને એક થાળીમાં ગોઠવી દો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવો. ત્યારબાદ કળી પત્તાના પાન તેમજ લીલા મરચાંના 2-3 ટુકડા ઉભા ચીરીમાં કટ કરીને સાંતળી દો. રવાની ખાંડવી તેમાં ગોઠવીને 2-3 મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો.