ચાસણીવાળો શીરો

ચૈત્રી નવરાત્રિ વ્રતના સમાપન તેમજ રામનવમી નિમિત્તે પ્રસાદ ધરાવવા માટે શીરાના જ પ્રકારની કંઈક અલગ મીઠાઈ એટલે કે, ચાસણીવાળો શીરો ઘરે બનાવી લો!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દૂધ 3 કપ
  • ઘી 1 કપ
  • સાકર 1 કપ
  • કાજુ-બદામ 15 નંગ (ચારોળી પણ લઈ શકાય છે.)

રીતઃ એક બાઉલમાં રવો તેમજ 3 કપ દૂધ મેળવો અને અડધા કલાક માટે ઢાંકીને રહેવા દો.  દૂધ રૂમ ટેમ્પરેચર જેટલું સામાન્ય હોવું જોઈએ.

બીજી બાજુએ એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દઈ તેમાં કાજુ-બદામ હલકા સોનેરી રંગના તળીને એક પ્લેટમાં કાઢી લો.

ગેસની આંચ ધીમી રાખો અને સાકર ઘીમાં રેડીને તવેથા વડે હલાવતા રહો. જ્યાં સુધી સાકર ઓગળીને તેનો હલકો સોનેરી રંગ આવે ત્યાં સુધી. હવે ગેસ બંધ કરી દો અને દૂધમાં પલાળેલો રવો સાકરવાળા ઘીમાં ધીમે ધીમે રેડતા જાવ (થોડું સાચવીને કરવું કારણ કે, ઘી ગરમ હોવાથી દૂધમાં પલાળેલો રવો રેડતી વખતે ઘી બહાર ઉડશે.)

રવો ઘીમાં નાખી દીધા બાદ તવેથા વડે મિશ્રણને હલાવીને એકરસ કર્યા બાદ ગેસ ફરીથી ધીમી આંચે ચાલુ કરો. આ મિશ્રણને એકસરખું તવેથા કે ઝારા વડે હલાવતાં રહેવું. પાંચેક મિનિટ બાદ મિશ્રણ ફેરવવામાં થોડું હળવું લાગે અને કઢાઈના કિનારે ઘી છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

સોનેરી રંગના તળેલા સૂકા મેવાથી પ્રસાદ સજાવીને ધરાવવા માટે લઈ લો.