તુરીયા મોટેભાગે કોઈને ભાવતા નથી હોતા. પાઉંભાજીના સ્વાદવાળા આ શાકમાં તુરીયા છે તે ખ્યાલ નથી આવતો!
સામગ્રીઃ
- તુરીયા 500 ગ્રામ
- ટામેટાં 2-3
- લસણની કળી 6-7
- કાશ્મીરી લાલ મરચાં પાઉડર 2 ટે.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- જીરૂ 1 ટી.સ્પૂન
- લીલાં મરચાં 2
- વઘાર માટે તેલ 3 ટે.સ્પૂન
- માખણ 1 ટે.સ્પૂન
રીતઃ તુરીયા લેતી વખતે ચાખીને લેવા. ઘણીવાર તુરીયા કડવા હોય છે. તુરીયાને ધોઈને છોલી લેવા.
એક ખમણી લઈને તુરીયા ખમણી લેવા.
લસણની કળી લઈ તેમાં લીલાં મરચાં, કાશ્મીરી મરચાં પાઉડર ઉમેરી તેને અધકચરા વાટી લેવા.
ચોપરમાં ટામેટાં ચોપ કરી લો.
કઢાઈમાં વઘાર માટેનું તેલ ગરમ કરી જીરૂ તતડાવી હીંગનો વઘાર કરી લો. ત્યારબાદ તેમાં ચોપ કરેલા ટામેટાં વઘારીને 4-5 મિનિટ ઢાંકીને ધીમા ગેસ પર થવા દો. તેમાંનું તેલ થોડું છૂટું પડે એટલે હળદર તેમજ લસણ-મરચાંની પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું મેળવીને ખમણેલાં તુરીયા મેળવી દો. એકાદ મિનિટ બાદ કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે 10-15 મિનિટ સુધી તુરીયા ચઢવા દો. વચ્ચે વચ્ચે ચમચા વડે શાક ચારવતા રહો.
15 મિનિટ થાય એટલે તેમાં પાઉંભાજીનો મસાલો મેળવી, કોથમીર ભભરાવીને ફરીથી ઢાંકીને 6-7 મિનિટ થવા દીધા બાદ તુરીયા ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો.
રોટલી કે પરોઠા સાથે શાક પીરસતી વખતે શાકની ઉપર 1 ટી.સ્પૂન બટર નાખીને પીરસો.
