કેરીની ચટણી

કેરીની સિઝન ચાલુ છે. ચટપટી કેરીની ચટણી બહુ જ જલ્દી બની જાય છે. તેમજ સ્વાદિષ્ટ પણ લાગે છે.

સામગ્રીઃ

  • કાચી કેરી 500 ગ્રામ
  • મેથી દાણા 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • કલૌંજી 1 ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • ગોળ 200 ગ્રામ
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન

રીતઃ કેરીને ધોઈને સૂકવી લીધા બાદ તેની છાલ કાઢી લઈ, કેરીને જાડી સ્લાઈસમાં કટ કરી લેવી.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મેથી, રાઈ, વરિયાળી, કલૌંજી તેમજ જીરુ ઉમેરીને હીંગ પણ વઘારી લો. રાઈ અને જીરુ તતડવા માંડે એટલે તેમાં સમારેલી કેરીની સ્લાઈસ મેળવી દો.

2 મિનિટ બાદ તેમાં 1 કપ પાણી ઉમેરી દો. હવે તેમાં ¼ ટી.સ્પૂન મીઠું તેમજ કાળું મીઠું ઉમેરીને મરચાં પાઉડર મેળવીને 6-7 મિનિટ માટે ઢાંકીને થવા દો. જો કેરી નરમ થઈ ગઈ હોય તો તેમાં ગોળ તેમજ ગરમ મસાલો મેળવી દો અને ચટણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

ચટણી ઠંડી થાય એટલે એરટાઈટ જારમાં ભરી દેવી. આ ચટણી ફ્રીજમાં 15 દિવસ સુધી સારી રહેશે.

આ કેરીની ચટણી રોટલી, પરોઠા કે પુરી સાથે પણ સારી લાગે છે. બાળકોના ટિફિનમાં પણ આપી શકાય છે!