પૌઆનો શીરો

કાંદા-પૌઆ, બટેટા-પૌઆનો તીખો નાસ્તો તો તમે બનાવ્યો હશે જ! પણ પૌઆનો ગળ્યો શીરો બનાવ્યો છે? હા, પૌઆનો શીરો પણ બને છે અને તે બને છે સ્વાદિષ્ટ!

સામગ્રીઃ

  • પૌઆ 1 કપ
  • તાજું છીણેલું નાળિયેર ½ કપ
  • ગોળ સમારેલો 1 કપ
  • દૂધ 2½ કપ
  • ઘી 1 કપ
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • તજનો પાઉડર 2-3 ચપટી
  • કિસમિસ 6-7 નંગ
  • કાજુ 7-8 નંગ,
  • બદામ 7-8 નંગ

રીતઃ પૌઆને કઢાઈમાં ગેસની મધ્યમ-ધીમી આંચે શેકી લો. પૌઆ ઠંડા થાય એટલે મિક્સીમાં બારીક રવા જેવા પીસી લો.

તાજું નાળિયેર છીણી લો. તેમાં ¼ કપ દૂધ મેળવીને મિક્સીમાં અધકચરું વાટીને પૌઆના પાઉડરમાં મેળવી દો. બાકીનું દૂધ પણ તેમાં મેળવીને પૌઆને ઢાંકીને થોડીવાર રાખી મૂકો.

ગોળને સમારીને ½ કપ પાણી સાથે એક તપેલીમાં ગરમ કરવા મૂકો. ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી દો. આ પાણી ઠંડું થાય એટલે ચાની સ્ટીલની ગળણીમાં ગાળી લો.

કાજુ તેમજ બદામના ટુકડા કરી લો. એક કઢાઈમાં 2 ટે.સ્પૂન ઘી ગરમ કરી તેમાં ગુલાબી રંગના થાય તેવા સાંતળીને એક પ્લેટમાં કાઢી લો. આ ઘીમાં ગોળનું પાણી રેડી દો. ત્યારબાદ તેમાં દૂધમાં પલાળેલા પૌઆ જે હવે ફુલી ગયા હશે તેને ઉમેરીને તવેથા અથવા ઝારા વડે હલાવતા રહો. થોડી થોડી વારે તેમાં 1-1 ચમચી ઘી રેડીને ઝારા વડે હલાવતા રહો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી. આ રીતે લગભગ 15 મિનિટ સુધી સાંતળવો અને થોડી થોડીવારે 1 ચમચી ઘી રેડતા રહેવું. ત્યારબાદ તેમાં એલચી પાઉડર, તજ પાઉડર મેળવીને કાજુ-બદામના ટુકડા પણ મેળવી દો.

2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને હલવો ખાવા માટે પીરસો.