શીંગદાણાની બરફી

રક્ષા બંધનનો તહેવાર શ્રાવણ માસમાં આવે છે. શ્રાવણ મહિનામાં એકટાણા ઉપવાસ પણ ઘણાં રાખે છે. શીંગદાણાની ફરાળી સ્વાદિષ્ટ બરફી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. આ સ્વાસ્થ્યવર્ધક બરફી ઘરે સહેલાઈથી બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • શીંગદાણા 2 કપ
  • તલ 1 કપ
  • કાજુ 1 કપ
  • ગોળ 1½ કપ
  • દૂધ પાઉડર 1 કપ
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • દેશી ઘી 2-2 ટે.સ્પૂન
  • દૂધ 2-2 ટે.સ્પૂન
  • પિસ્તાની કાતરી

રીતઃ શીંગદાણા તથા કાજુને અલગ અલગ શેકી લો. તલને પણ અલગથી પેનમાં શેકી લો. ઠંડા થાય એટલે શીંગદાણા તથા કાજુને મિક્સીમાં પલ્સ મોડમાં દળી લો. જેથી સૂકો પાઉડર મળે. તલ ઠંડા થાય એટલે તેને પણ અલગથી દળી લો. બંને પાઉડરને એક વાસણમાં ચમચી વડે મિક્સ કરી લો.

એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રૂમ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરીને તરત જ દૂધ પાઉડર ઉમેરી દો અને સ્પેટૂલા વડે સતત હલાવતા રહો. ગેસની આંચ ધીમી મધ્યમ રાખવી. 5 મિનિટમાં મિશ્રણ સહેજ ઘટ્ટ થઈને માવો તૈયાર થાય. એટલે તેમાં કાજુ, શીંગદાણા તેમજ તલનો પાઉડર મેળવી દો.

હવે એકતારી ગોળની ચાસણી તૈયાર કરવા ગોળને ઝીણો સમારી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગળવા મૂકો. ગોળ ઓગળે એટલે અડધો કપ જેટલું પાણી તેમાં મેળવીને એક તારની ચાસણી થાય એટલું ગોળનું મિશ્રણ ગરમ કરો. એક તાર થાય એટલે તેમાં 2 ટે.સ્પૂન ઘી તેમજ 2 ટે.સ્પૂન દૂધ મેળવીને હલાવો. ત્યારબાદ તેમાં શીંગદાણાનું મિશ્રણ મેળવીને તવેથા વડે હલાવતા રહો. જ્યાં સુધી મિશ્રણ લીસું થઈને કઢાઈમાં ચોંટતું બંધ થાય એટલે કે, દસેક મિનિટ સુધી મિશ્રણને હલાવતા રહેવું. ગેસની આંચ ધીમી રાખવી.

ત્યારબાદ ગેસ બંધ કરી દો. એક થાળીમાં ઘી ચોપડી દો અને આ મિશ્રણ તેમાં રેડી દો. ઉપરથી તવેથા વડે સેટ કરીને પિસ્તાની કાતરી ભભરાવી દો. થાડીમાં પાથરેલી બરફી સહેજ સૂકી થાય એટલે કે, 2-3 મિનિટ બાદ ચપ્પૂ વડે બરફીના કાપા પાડી લો. આ બરફીને 2-3 કલાક ઠંડી થવા દો. ત્યારબાદ તેના ચોસલા એક ડબ્બામાં ભરી લો.