નવા વર્ષની શરૂઆત સાથે પનીરના શાકની પણ એક નવી વેરાયટી ‘પનીર હંગામા’ બનાવી લો. જે ઝટપટ બની જાય છે. તેમજ બહુ જ સ્વાદિષ્ટ પણ બને છે!
સામગ્રીઃ
- પનીર 500 ગ્રામ
- મોટાં કાંદા 4
- લવિંગ 4
- લીલી એલચી 4
- તજનો ટુકડો 1 ઈંચ
- તેજ પત્તાનું પાન 1
- તેલ વઘાર તેમજ પનીર સાંતળવા માટે
- લાલ સૂકાં મરચાં 4
- લીલાં મરચાં 3
- ટામેટાં મોટાં 2
- કાજુ 10-15 નંગ
- સિમલા મરચું 1
- જીરુ 1 ટી.સ્પૂન
- કાશમીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર પાઉડર ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- જીરુ પાઉડર ½ ટી.સ્પૂન
- આદુ-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
રીતઃ 2 કાંદાની લાંબી પાતળી સ્લાઈસ કરી લો. ટામેટાંની પણ લાંબી સ્લાઈસ સુધારીને અલગ રાખો.
પનીરને મિડીયમ સાઈઝના ચોરસ ટુકડામાં કટ કરી લો. એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા ગેસની તેજ આંચે હલકા ગુલાબી રંગના સાંતળી લો.
આ પનીરના ટુકડાને એક પ્લેટમાં કાઢી લો. હવે આ જ તેલમાં તજનો ટુકડો, એલચી, લવિંગ, તેજ પત્તાનું પાન તેમજ સૂકાં લાલ મરચાં નાખીને 1 મિનિટ જેવું સાંતળીને તેમાં કાંદાની ચીરી નાખીને સાંતળો. કાંદા થોડા લાલ થાય એટલે તેમાં લીલાં મરચાંના ટુકડા, ટામેટાં, કાજુ નાખીને પેન અથવા કઢાઈ ઢાંકીને પાંચ મિનિટ ગેસની મધ્યમ આંચે થવા દો.
ટામેટાં, કાજુ નરમ થયા બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણ ઠંડું કરીને મિક્સીમાં તેની પેસ્ટ કરી લો.
બાકી રહેલાં કાંદા તેમજ સિમલા મરચું અલગ અલગ ઝીણાં ચોરસ સમારી લો. ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું તતડાવી લો. હવે તેમાં ઝીણાં સમારેલાં કાંદા સોનેરી રંગના સાંતળીને સિમલા મરચું પણ સાંતળી લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ સાંતળીને કાજુ, ટામેટાંની પેસ્ટ સાંતળી લો. ત્યારબાદ હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, જીરા પાઉડર મેળવીને 2-3 મિનિટ સાંતડીને તેમાં 1-2 કપ જેટલું પાણી મેળવીને 3-4 મિનિટ થવા દો. જેવું તેલ છૂટું પડે એટલે તેમાં સાંતળેલા પનીરના ટુકડા મેળવીને ગેસની આંચ મધ્યમ કરીને 4-5 મિનિટ થવા દો.
ત્યારબાદ તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી તેમજ ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને મિક્સ કરીને 1 મિનિટ સાંતળી લો. ત્યારબાદ ગેસ બંધ કરીને ગરમાગરમ રોટલી અથવા પરોઠા સાથે પીરસો.