કાંદા ટામેટાં સેન્ડવિચ

ગરમીમાં લીલા શાક જલ્દી મળતાં નથી. વેકેશન પણ છે. તો કાંદા ટામેટાં સેન્ડવિચનો વિકલ્પ સારો રહેશે. જે ઝટપટ પણ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે!

સામગ્રીઃ

  • કાંદા 2
  • ટામેટાં 2
  • લીલા મરચાં 2-3
  • ચિલી ફ્લેક્સ અથવા મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • બ્રેડ
  • ચીઝ સ્લાઈસ
  • સેન્ડવિચ શેકવા માટે ઘી

રીતઃ એક બાઉલમાં કાંદા, ટામેટાંને ઝીણાં સમારી લો. લીલા મરચાં ગોળ સુધારી લો. તેમાં ચાટ મસાલો, મરચાં પાઉડર, કાળાં મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું મેળવી મસાલો તૈયાર કરી લો.

 

લોખંડના તવા ઉપર 1 ટી.સ્પૂન ઘી ફેલાવીને ગરમ કરીને બ્રેડને તેમાં એક સાઈડથી કડક શેકી લો. ગેસની આંચ ધીમી રાખવી. આ બ્રેડની કડક કરેલી સાઈડને અંદરની બાજુએ રાખીને તેમાં મસાલો ભરી લો. મસાલા ઉપર ચીઝ સ્લાઈસ ગોઠવીને ઉપર બીજી બ્રેડ મૂકો. બીજી બ્રેડ પણ અંદરની સાઈડથી કડક કરેલી રાખવી.

ફરીથી તવામાં 1 ટી.સ્પૂન ઘી રેડીને ગેસની ધીમી આંચે સેન્ડવિચ બંને બાજુએથી સોનેરી રંગની શેકાવા દો.

સેન્ડવિચ તૈયાર થાય એટલે ચપ્પૂ વડે કટ કરીને ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.