ડુંગળી, કેરી અને મેથીની ભાજીના લચ્છા ભજિયા

ડુંગળી, કેરી અને મેથીની ભાજીના લચ્છા ભજિયાની રીત વાંચતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો સ્વાદમાં તો એ લાજવાબ જ હશે ને!  કેરી હજુ માર્કેટમાં મળી જ રહી છે. વરસાદ પણ ઝરમર વરસે જ છે. તો રાહ શું જોવાની, બનાવી લો આ ટેસ્ટી ભજીયા!

સામગ્રીઃ 

  • મેથીની ભાજી 1 કપ
  • બે ડુંગળી
  • લીલા મરચાં 8-10
  • તોતાપુરી કેરી 1 (કેરી કાચી પાકી હોવી જોઈએ)
  • મીઠું સ્વાદ મુજબ
  • હીંગ ½ ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • રવો ½ કપ
  • ચણાનો લોટ 1 કપ

રીતઃ મેથીની ભાજીને 3-4 પાણીએથી ચોખ્ખી ધોઈને ઝીણી સમારી લેવી. કેરીને જાડી છીણથી છીણી લેવી. અને મરચાંને ગોળ નાના ટુકડામાં સમારી લેવા. ડુંગળીને લાંબી પાતળી ચીરીમાં સુધારીને ચીરીઓ છૂટ્ટી કરી લેવી.

એક બાઉલમાં ભાજી, કેરીની જાડી છીણ, ડુંગળીની ચીરીઓ તેમજ સમારેલાં મરચાં લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, હીંગ, હળદર મિક્સ કરીને આ મિશ્રણને પ મિનિટ માટે બાજુએ રાખો.

પ મિનિટ બાદ તેમાં રવો તેમજ ચણાનો લોટ મિક્સ કરો. ભજીયા થોડા વળે એટલે કે એને તળવા માટે નાખી શકાય તેવું થોડું ઘટ્ટ ખીરું થાય તેવું બનાવી લો. બહુ લોટ તેમાં નહિં નાખવો.

કઢાઈમાં તેલ સરખું ગરમ થાય એટલે તેમાં આ ભજીયા તળવા માટે નાખો. એક બાજુએથી સરખા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ ઝારા વડે સાચવીને ફેરવો, નહિંતર તે તૂટી જશે. બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન તળીને તેલ સરખું નિતારીને કાઢી લો.

આ ભજીયા તળેલા મરચાં અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવા.