મિક્સ વેજીટેબલ રોલ

બાફેલા બટેટા સાથે મિક્સ વેજીટેબલ રોલ બહુ જ સહેલાઈથી બની જાય છે! ખાવામાં પણ સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ

  • ગાજર 1
  • ફણસી 4-5
  • વટાણા 100 ગ્રામ
  • બાફેલા બટેટા 3
  • ચીઝ ક્યૂબ 2
  • ધાણાજીરુ 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • સ્વાદાનુસાર મીઠું
  • અધકચરા વાટેલાં મરી
  • આદુ ખમણેલું 1 ટી.સ્પૂન
  • 2-3 લીલા મરચાં ઝીણાં સમારેલા
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 2 ટી.સ્પૂન
  • મેંદો 1 ટી.સ્પૂન
  • બ્રેડ 2 સ્લાઈસ

રીતઃ ગાજર, ફણસીને સારી રીતે ધોઈને ઝીણા સમારી લો. વટાણાને મિક્સીમાં અધકચરા વાટી લો.

ગેસની તેજ આંચ પર નોન-સ્ટીક પેનમાં માખણ નાખીને પેન ફરતે ફેરવી લો. હવે તેમાં સમારેલાં શાક નાખીને તેમાંનું પાણી સૂકાય જાય તેટલું સાંતડીને એક વાસણમાં કાઢી લો.

બાફેલા બટેટા તથા ચીઝને એક વાસણમાં ખમણી લો. તેમાં ધાણાજીરુ, ગરમ મસાલો, ચિલી ફ્લેક્સ, વાટેલાં મરી, આદુ, મરચાં, સ્વાદ મુજબ મીઠું તેમજ સમારેલી કોથમીર મેળવી દો. હવે સાંતડેલા શાક પણ તેમાં ઉમેરી દો. તેમાં કોર્નફ્લોર, મેંદો તેમજ બ્રેડનો ચૂરો કરીને નાખીને મિશ્રણને લોટ બાંધતા હોય તે રીતે બાંધી દો. આ મિશ્રણમાંથી નાના નાના લંબગોળ ગોલા વાળી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. ગેસની મધ્યમ આંચે રોલ તળી લો અને ટોમેટો કેચ-અપ સાથે ગરમાગરમ પીરસો.