કાજુ-કાંદાના મસાલા કે પનીર વગર પણ વટાણાની ધાબા જેવી મસાલેદાર સબ્જી ઘરના જ મસાલાથી બની શકે છે!
સામગ્રીઃ
- વટાણા 2 કપ
- ચણાનો લોટ 1 ટે.સ્પૂન
- આદુ 2 ઈંચ
- લીલાં મરચાં 2-3
- જીરૂ 1 ટી.સ્પૂન
- તમાલ પત્ર 1
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- કસૂરી મેથી 1 ટી.સ્પૂન
- ટામેટાં 3
- સબ્જી મસાલો અથવા કિચન કિંગ મસાલો અથવા ગરમ મસાલો 1 ટે.સ્પૂન
- મલાઈ અથવા દહીં 2 ટે.સ્પૂન
રીતઃ તેલમાં જીરૂ તેમજ તમાલપત્રનો વઘાર કરી, આદુ ખમણીને તેમજ મરચાં સમારીને ઉમેરી દો. 2 મિનિટ સાંતળી લીધા બાદ તેમાં લાલ મરચાં પાઉડર, હળદર, ધાણાજીરુ તેમજ કસૂરી મેથી મેળવીને એકાદ મિનિટ બાદ ચણાનો લોટ મેળવી દો. લોટ થોડીવાર શેકી લીધા બાદ ટામેટાં ક્રશ કરીને તેમાં ઉમેરી દો.
ટામેટાં સરખા સાંતળી લો. તેમાંનું તેલ છૂટું પડવા લાગે એટલે સબ્જી મસાલો અથવા ગરમ મસાલો ઉમેરી દો. ત્યારબાદ મલાઈ અથવા દહીં ફેંટીને મેળવી દો. ક્રીમ હોય તો તે મલાઈને બદલે મેળવી શકાય છે. 1 મિનિટ બાદ તેમાં વટાણા મેળવીને 1-2 મિનિટ સાંતળી લીધા બાદ 1-1½ કપ ગરમ પાણી ઉમેરી દો. વાસણ ઢાંકીને ધીમી આંચે 6-7 મિનિટ માટે વટાણા ચઢવા દો.
વટાણા ચઢી જાય એટલે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવીને ગરમાગરમ શાક અને રોટલી જમવામાં પીરસો.
