ઘરમાં કોઈ શાક ન હોય તો કાઠિયાવાડી ઢોકળીનું શાક ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે!

સામગ્રીઃ ઢોકળી માટેઃ
- હળદર ¼ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- છાશ 1½ કપ
- ચણાનો લોટ 1 કપ
- ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
- તેલ 1 ટી.સ્પૂન
- આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
વઘાર માટેઃ
- હળદર ¼ ટી.સ્પૂન
- ધાણાજીરૂ પાઉડર ½ ટી.સ્પૂન
- કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- છાશ 1 વાટકી, આદુ ખમણેલું ½ ટી.સ્પૂન
- લસણની કળી 10-12
- લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
- કાંદા 2
- જીરૂ ½ ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 2 ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
રીતઃ એક વાસણમાં છાશમાં હળદર પાઉડર, ધાણાજીરૂ તેમજ મરચાંની ભૂકી તેમજ હીંગ મેળવી દો. હવે તેમાં ચણાનો લટો મેળવી જેરણી વડે એકરસ કરી લો.
એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાંની પેસ્ટ વઘાર કરી,ચણાના લોટનું મિશ્રણ ઉમેરી દો. ગેસની આચં મધ્યમ કરીને ચમચા વડે મિશ્રણ હલાવતાં રહો. જ્યાં સુધી તેનો લોટ બંધાઈ ન જાય.

ચણાના મિશ્રણમાંથી લોટ બંધાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. એક થાળી તેલવાળી કરીને તેમાં આ મિશ્રણ પાથરીને ચમચા વડે ફેલાવી દો. પાંચેક મિનિટ બાદ તેના ચોસલા ચપ્પૂ વડે કરીને હજુ થોડીવાર ઠંડા થવા દો.
લસણની કળીને એક ખાંડણિયામાં અધકચરી વાટીને તેમાં મરચાં પાઉડર મેળવીને ફરીથી થોડી વાટી લો.
એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરી, વાટેલી લસણની ચટણી સાંતળીને, કાંદા સાંતળી લો. હવે તેમાં છાશ ઉમેરીને સૂકા મસાલા મેળવીને થોડી ગરમ થાય એટલે તેમાં ચણાના લોટની ઢોકળી મેળવી દો. ગેસની આંચ ધીમી મધ્યમ કરીને કઢાઈ ઢાંકીને શાક થવા દો. 5-7 મિનિટ બાદ શાકની ગ્રેવી ઘટ્ટ થઈ જાય, ઢોકળી પણ ચઢી જાય એટલે કોથમીર ભભરાવી ગરમાગરમ શાક રોટલી સાથે પીરસો.





