દિવાળીમાં નિતનવી મીઠાઈઓ જેટલી બનાવો તેટલી ઓછી છે. ગૃહિણીઓ નવીન મીઠાઈ બનાવવાના અખતરા દિવાળીમાં કરી લેતી હોય છે. તેમાં આ કાજુ-પિસ્તા રોલ તો ઝટપટ અને ફાયરલેસ બની જાય છે!
સામગ્રીઃ
- કાજુ 1 કપ
- પિસ્તા 1 કપ
- દૂધ પાઉડર 1-1 કપ
- દળેલી સાકર 1-1 કપ
- એલચી પાઉડર ¼ -¼ ટી.સ્પૂન
- ઘી 2-2 ટે.સ્પૂન
- દૂધ ¼ -¼ કપ
રીતઃ કાજુને મિક્સીમાં પલ્સ મોડ પર ધીરે ધીરે કરીને બારીક પાઉડર પીસી લો. કાજુ પાઉડરને બારીક સ્ટીલની ચાળણીમાં ચાળી લો. પિસ્તાનો પણ આ જ રીતે પાઉડર કરીને ચાળીને અલગ બાઉલમાં કાઢી લો.
એક બાઉલમાં કાજુ પાઉડર લઈ તેમાં દૂધ પાઉડર 1 કપ, દળેલી સાકર 1 કપ, એલચી પાઉડર ¼ ટી.સ્પૂન, ઘી 2 ટે.સ્પૂન તથા દૂધ ¼ કપ મેળવીને તેનો લોટ બાંધી લો.
આ જ રીતે બીજા બાઉલમાં પણ પિસ્તા પાઉડર લઈ કાજુ પાઉડરમાં ઉમેરેલી સામગ્રી પ્રમાણેની સામગ્રી ઉમેરીને લોટ બાંધી લો.
એક પ્લાસ્ટીક ઉપર કાજુનો લોટ લઈ તેને હાથેથી થાપીને ચપટો કરી લીધા બાદ થોડો પાતળો વણી લો. આ જ રીતે બીજા પ્લાસ્ટીક પર પિસ્તાનો બાંધેલો લોટ લઈ તેને પણ હાથેથી થાપી લીધા બાદ પાતળો રોટલો વણી લો.
કાજુના વણેલો રોટલા ઉપર પિસ્તાનો વણેલો રોટલો પાથરી દો અને પ્લાસ્ટીકને ધીમે ધીમે વાળતા જઈ બંને રોટલાનો રોલ વાળતા વાળતા પ્લાસ્ટીર કાઢીને આખો રોલ વાળી લો. આ રોલને વચ્ચેથી ચપ્પૂ વડે કટ કરીને બે ભાગ કરી લો. બંને ભાગને અલગ અલગ પ્લાસ્ટીકમાં ટાઈટ રોલ કરીને પેક કરીને રેફ્રીજરેટરમાં 10 મિનિટ માટે મૂકી દો. ત્યારબાદ બહાર કાઢીને આ રોલની સ્લાઈસ કરી લો.
અન્ય રીત પ્રમાણે રોટલાને બદલે લાંબી પાતળી કાજુ તેમજ પિસ્તાની સ્ટ્રીપ વણીને 2 ઈંચના લંબગોળ રોલ વાળી લો.