ઈન્સ્ટન્ટ મીઠાઈ

શિવરાત્રીમાં પ્રસાદ માટે શુદ્ધ મીઠાઈ ઘરે જ સહેલાઈથી ઉપલબ્ધ સામગ્રી વડે ઈન્સ્ટન્ટ બની જાય, તે પણ ગેસ ચલાવ્યા વગર! તો બનાવી લો ઈન્સ્ટન્ટ પ્રસાદ!

સામગ્રીઃ

  • નાળિયેરનું ખમણ 1 કપ
  • દળેલી ખાંડ ½ કપ
  • દૂધ પાઉડર ¾ કપ
  • દૂધ 3-4 ટે.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન

પુરણ માટેઃ

  • કાજુ અને બદામ 10 નંગ
  • પિસ્તા 5 નંગ
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • કેસરના તાંતણા 7-8 અથવા ખાવાનો પીળો કે લીલો રંગ 3-4 ટીપાં

સજાવટ માટેઃ

  • પિસ્તા 10
  • ચાંદીનો વરખ (Optional)
  • કેસરના તાંતણા 8-10

રીતઃ એક મોટા બાઉલમાં નાળિયેરનું ખમણ, દળેલી ખાંડ તેમજ દૂધ પાઉડર લઈ 1-1 ચમચી દૂધ રેડતા જઈ લોટ બાંધો. લોટ બંધાય તેટલું જ દૂધ ઉમેરવું. કારણ કે, દળેલી ખાંડને લીધે તરત જ લોટ બંધાઈ જશે. (આ મિશ્રણ બહુ ઘટ્ટ કે સૂકું ના હોય અને બહુ ઢીલું પણ ના હોવું જોઈએ) આ બંધાયેલા લોટના મિશ્રણમાંથી 2 ટે.સ્પૂન જેટલું મિશ્રણ એક બાજુએ રાખી લો.

કેસરને એક નાની વાટકીમાં એક ચમચી દૂધમાં પલાળી રાખો.

કાજૂ, બદામ તેમજ પિસ્તાને મિક્સીમાં બારીક અથવા કરકરા પીસી લો. તેમાં પલાળેલું કેસર અથવા ખાવાનો પીળો રંગ ઉમેરી દો. તેમજ એલચી પાઉડર અને એકાદ ચમચી દૂધ મેળવો. નાળિયેર તેમજ દૂધ પાઉડરનું રાખેલા મિશ્રણમાંથી 2 ટે.સ્પૂન જેટલું મિશ્રણ એમાં ઉમેરી ફરીથી લોટની જેમ આ મિશ્રણ બાંધો. આ મિશ્રણમાંથી નાની નાની ગોળીઓ વાળીને તેને ચપટો આકાર આપી એક બાજુએ મૂકી દો અને કલરવાળા હાથ ધોઈ લો.

એક વાટકીમાં એક ચમચી ઘી લઈ લો. હાથમાં થોડું ઘી ચોપડી લો. નાળિયરેના સફેદ રંગના મિશ્રણમાંથી મોટો ગોળો લઈ તેને ચપટો કરીને હાથેથી થાપીને ડ્રાય ફ્રુટવાળી ગોળી તેમાં મૂકીને ગોળો બંધ કરીને વાળી દો. તેમજ થોડો ચપટો કરીને પેંડાનો આકાર આપી દો. અથવા

સફેદ મિશ્રણમાંથી બે ભાગ કરી બે મોટા રોટલા વણી લો. તેમજ ડ્રાયફ્રુટના મિશ્રણનો પણ એક રોટલો વણી લો. નાળિયેરવાળા રોટલા ઉપર ડ્રાયફ્રુટવાળો રોટલો મૂકી તેની ઉપર બીજો નાળિયેરવાળો રોટલો ગોઠવીને હાથેથી ઉપર પ્રેશ કરીને તેના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કરી લો. અથવા લાંબી પટ્ટીમાં કટ કરીને તેના રોલ વાળીને કટ કરી લો.

કેસરને 1-2 ચમચી પાણીમાં ભીંજવી દો. પિસ્તાની ઝીણી કાતરી કરી લો.

દરેક મીઠાઈ ઉપર ચાંદીનો વરખ લગાડી દો. ચપટી ગોળ વાળેલી મીઠાઈના ચપ્પૂ વડે બે-બે ટુકડા કરી લો. મીઠાઈને સજાવવા માટે તેના દરેક ટુકડા ઉપર કેસરનો રંગ 1-2 ટીપાં મૂકી તેની ઉપર ગુલાબની પાંખડી મૂકીને તેને પિસ્તાની ઝીણી કાતરીથી સજાવી લો.