બાળકોનું ટિફીન અથવા રવિવારનો બ્રેકફાસ્ટ બનાવવા માટે સમય ઓછો હોય. એટલે કે, ઘણું જ મોડું થઈ ગયું હોય. તો રવાનો આ ટેસ્ટી નાસ્તો ઈન્સ્ટન્ટ બની શકે છે!
સામગ્રીઃ
- ઝીણો રવો 1 કપ
- દહીં 1 કપ
- કાંદો 1
- ટામેટું 1
- ગાજર 1
- બાફેલા લીલા વટાણા ½ કપ
- લીલા મરચાં 2-3
- સિમલા મરચું 1 નાનું
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- આદુનો ટુકડો ½ ઈંચ
- મીઠું સ્વાદ મુજબ
- ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- બેકીંગ સોડા અથવા ઈનો 2 ચપટી
વઘાર માટેઃ
- તેલ
- રાઈ
- જીરુ
- સફેદ તલ
- કળી પત્તાના પાન
રીતઃ એક બાઉલમાં દહીં લઈ તેને ફેંટી લેવું જેથી તેમાં ગઠ્ઠા ના રહે. તેમાં કાંદો, સિમલા મરચું તેમજ ટામેટું ઝીણા ચોરસ સમારીને, ગાજર ખમણીને તેમજ બાફેલા લીલા વટાણા ઉમેરી દો. લીલા મરચાંને ઝીણાં સમારી ઉમેરી દો. આદુને ખમણીને અથવા ઝીણું સમારીને ઉમેરો. થોડું પાણી મેળવીને સહેજ ઢીલું કરીને આ મિશ્રણ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.
10 મિનિટ બાદ આ મિશ્રણ ઘટ્ટ થયું હશે. હવે તેમાં ચાટ મસાલો, કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું તેમજ કોથમીર મેળવી દો. હવે તેમાં ઈનો પાઉડર નાખીને ઉપર 1 ટી.સ્પૂન તેલ રેડીને ચમચી વડે મિશ્રણમાં મેળવી દો. જો વધુ ઘટ્ટ હોય તો થોડુંક પાણી ઉમેરી લેવું.
એક નાનું વઘારીયું લો અથવા નાની કઢાઈ લો. તેમાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરુ, રાઈ તેમજ સફેદ તલ બધું મળીને ¼ ટી.સ્પૂન જેટલી આ ત્રણેય સામગ્રી લઈ તેનો તેલમાં વઘાર કરી 3-4 પાન કળી પત્તાના નાખી દો. હવે તેની ઉપર 1 થી 1½ કળછી જેટલું ખીરું રેડીને એક ઢાંકણ ઢાંકીને ½ મિનિટ થવા દો. ગેસની આંચ એકદમ ધીમી રાખવી. હવે ઢાંકણ ખોલી દો અને રવા મીની હાંડવો ઉથલાવીને ફરીથી તેને સોનેરી રંગનો થવા દો. 2 મિનિટ બાદ તૈયાર મીની હાંડવાને એક પ્લેટમાં ઉતારી લો. આ જ રીતે બાકીના મીની હાંડવા બનાવી લો.
આ મીની હાંડવો લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.