બટેટાની ઈન્સ્ટન્ટ ચકરી

ચકરી ઈન્સ્ટન્ટ અને કુરકુરી બનાવવી હોય તો લોટમાં બાફેલા બટેટા ઉમેરવાથી તે ક્રિસ્પી બને છે.

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • લીલા મરચાં 4,
  • આદુ 2 ઈંચ
  • સફેદ તલ ¼ કપ
  • ચોખાનો લોટ 2 કપ
  • ચણાનો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો 1 ટી.સ્પૂન
  • માખણ 3 ટે.સ્પૂન, તેલ

રીતઃ મિક્સીમાં આદુ તેમજ મરચાંના ટુકડા કરીને નાખો. બાફેલા બટેટાના ટુકડા કરીને ઉમેરો અને તેની પેસ્ટ બનાવી લો.

એક તાસમાં ચોખાનો તેમજ ચણાનો લોટ ચાળણી વડે ચાળી લો. તેમાં ઓગાળ્યા વગરનું માખણ મેળવીને હાથેથી મિક્સ કરો. માખણ મિક્સ થઈ જાય એટલે બટેટાની પેસ્ટ મેળવીને લોટ બાંધી લો.

ચકરીના સંચામાં તેલ લગાડી લઈ લોટમાંથી તેમાં આવે તે પ્રમાણે લંબગોળ લૂવો બનાવીને સંચામાં ઉતારી લો. સંચો બંધ કરીને એક પ્લેટમાં પ્લાસ્ટીક ગોઠવીને તેની ઉપર સંચા વડે ચકરી પાડી લો. બધી ચકરી સંચા વડે પાડી લીધા બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને ચકરી તેમાં આવે તેટલી હળવેથી નાખીને સોનેરી રંગની તળી લો.