કાચી કેરીનું ઈન્સ્ટન્ટ અથાણું

કાચી કેરી જોતાં જ મોંઢામાં પાણી આવી જાય છે અને અથાણાની યાદ આવે! ઘરે અથાણું બનાવવા માટે આજના વખતમાં મોટા ભાગની મહિલાઓને સમય નથી હોતો. તો વાંધો નહીં, કેરીનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • કાચી કેરી 2-3
  • તેલ 1 કપ
  • રાઈ 1 ટે.સ્પૂન
  • મેથીદાણા 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • વરિયાળી 2 ટે.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • હીંગ ½ ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • મીઠું 1 ટી.સ્પૂન

રીતઃ કાચી કેરીને ધોઈને લૂછી લો. હવે કેરીને નાના ટુકડામાં સમારી લો.

મેથી, રાઈ, જીરૂ તેમજ વરિયાળીને પેનમાં લઈ ગેસ ઉપર 2-3 મિનિટ માટે શેકી લો. ત્યારબાદ તેનો અધકચરો પાઉડર બનાવી લો.

તેલને કઢાઈમાં ગરમ કરીને ગેસ બંધ કરી દો. તેલ ઠંડું થાય એટલે તેમાં વાટેલા મસાલાનો ભૂકો, મીઠું, હીંગ તેમજ હળદર, મરચું મેળવીને સમારેલી કેરી ભેળવી દો.

આ ઈન્સ્ટન્ટ અથાણું કાચની કોઈ બરણીમાં ભરી લો. તેને બે દિવસ બહાર રાખ્યા બાદ ફ્રીજમાં 10 દિવસ સુધી રાખી શકાય છે.

હજુ ટૂંકી રીતથી ઈન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય તો ફક્ત રાઈનો તેલમાં વઘાર કરી, તેમાં મરચું, મીઠું તેમજ હળદર ભભરાવીને આ વઘાર સમારેલી કેરી ઉપર રેડીને મેળવી દો. જો કે, આ અથાણું ફક્ત ચારથી પાંચ દિવસ જ ફ્રિજમાં સારું રહે છે.