ઘૂઘરા સેન્ડવિચ

અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ સ્વાદિષ્ટ છે! જો ઘરે આ સેન્ડવિચ બનાવવી હોય તો ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીથી તે ઝટપટ બની જાય છે!

સામગ્રીઃ

  • સેન્ડવિચ બ્રેડ સ્લાઈસ 6
  • કાંદા 2
  • સિમલા મરચું 1
  • ચાટ મસાલો 2 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સંચળ મીઠું ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • ચીઝ ક્યુબ 3-4
  • બટર 4 ટે.સ્પૂન
  • કોથમીર-ફુદીનાની લીલી તીખી ઘટ્ટ સેન્ડવિચ ચટણી 4-5 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1½ કપ
  • લીલા મરચાં 4-5

રીતઃ બ્રેડ સ્લાઈસની કિનારી કટ કરી લો.

કાંદા તેમજ સિમલા મરચાં તેમજ લીલા મરચાંને એકદમ ઝીણાં સમારી લો અથવા ચોપરમાં ચોપ કરી લો. હવે તેમાં ચાટ મસાલો, સંચળ મીઠું, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું તેમજ સમારેલી કોથમીર મેળવી દો. મીઠું સાચવીને ઉમેરવું કારણ કે, ચાટ મસાલામાં પણ મીઠું હોય છે. સેન્ડવિચ માટેની ચટણી ઘટ્ટ રાખવી. જેથી બ્રેડ પર લગાડ્યા બાદ બ્રેડ નરમ ન પડે.

ચાર બ્રેડ સ્લાઈસ ઉપર બટર લગાડી લીધા બાદ સેન્ડવિચની લીલી ચટણી લગાડી લો. ત્યારબાદ સેન્ડવિચ માટે તૈયાર કરેલું પૂરણ ચારેય બ્રેડ ઉપર પાથરીને મૂકો. હવે તેની ઉપર ચીઝ ખમણીને ઉમેરી દો. બે બ્રેડ ઉપર બટર તેમજ લીલી ચટણી લગાડી લો.

પૂરણ તેમજ ચીઝવાળી બે બ્રેડને એકની ઉપર એક ગોઠવી દો. હવે એક સાદી બ્રેડ જેની ઉપર બટર તેમજ ચટણી લગાડી છે તેની ચટણીવાળી સાઈઝ ઉંધી કરીને પૂરણની ઉપર ગોઠવી દો. ઉપરથી થોડું બટર લગાડી લો. આમ ત્રણ લેયરવાળી સેન્ડવિચ તૈયાર થશે.

ગેસ ટોસ્ટરની અંદરની બાજુએ બટર લગાડીને આ ત્રણ લેયરવાળી સેન્ડવિચ મૂકીને ટોસ્ટર બંધ કરીને ગેસની ધીમી આંચે શેકાવા મૂકો. એકાદ મિનિટ બાદ તેની બીજી બાજુ પણ એક મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી લો. સેન્ડવિચ બંને બાજુએ ગોલ્ડન રંગની શેકાઈ જાય એટલે ટોસ્ટરમાંથી કાઢી લો. આ જ રીતે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરીને શેકી લો.

હવે ટોસ્ટ કરેલી સેન્ડવિચને ક્રોસમાં બે કાપા ચપ્પૂ વડે પાડી લો. એટલે તેના ચાર પીસ થશે. જેનો આકાર ઘૂઘરા જેવો દેખાશે. આ આકારને કારણે જ આ સેન્ડવિચ ઘૂઘરા સેન્ડવિચ તરીકે પ્રખ્યાત છે.

તૈયાર ઘૂઘરા સેન્ડવિચ ટોમેટો કેચ-અપ અને લીલી ચટણી સાથે પીરસો.