આ ફરાળી વડી તૈયાર કરીને એરટાઈટ કન્ટેનરમાં પેક કરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો. જ્યારે ખાવી હોય ત્યારે તેલમાં તળીને ગરમાગરમ પીરસી શકો છો.

સામગ્રીઃ
- સામો ½ કપ
- સાબુદાણા 3 ટે.સ્પૂન
- સફેદ તલ 2 ટે.સ્પૂન
- લીલા મરચાં 2-3
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- સમારેલી કોથમીર ½ કપ
- બાફેલા બટેટા 2
- શેકેલા શીંગદાણાનો ભૂકો 2 ટે.સ્પૂન
- સૂકા નાળિયેરનું છીણ 2 ટે.સ્પૂન
- તેલ
- જીરૂ 1 ટી.સ્પૂન
- ઉપવાસનું મીઠું
રીતઃ સામો, સાબુદાણાનો મિક્સરમાં રવા જેવો કરકરો ભૂકો કરી લો.
એક કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરૂ વઘારી, લીલા મરચાં સમારીને ઉમેરી દો. ત્યારબાદ તેમાં તલ ઉમેરીને 1 કપ પાણી મેળવી દો. પાણી ઉકળે એટલે તેમાં કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ થોડું મીઠું, સમારેલી કોથમીર મેળવીને સાબુદાણા-સામાનો લોટ પણ મેળવી દો. ચમચા વડે એકસરખું હલાવતા રહો. ગેસની આંચ તેજ મધ્યમ રાખવી. આ મિશ્રણ લોટ જેવું બંધાવા આવે એટલે ગેસ બંધ કરી દો.
આ મિશ્રણમાં બાફેલું બટેટું છીણીને ઉમેરો. શીંગદાણાનો ભૂકો, નાળિયેરનું છીણ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી દો. તેલવાળા હાથ કરીને બધી સામગ્રી ભેગી કરી દો.
એક થાળીમાં તેલ લગાડીને આ લોટને થાપીને ફેલાવી દો. ઉપર સફેદ તલ ભભરાવી દો. ત્યારબાદ ચપ્પૂ વડે ચોસલા કરી લો. અથવા ત્રિકોણાકાર આપી દો. આ વડી એરટાઈટ કન્ટેનરમાં પેક કરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો.
ખાવાના સમયે આ વડીને ગેસની આંચ મધ્યમ રાખીને તેલમાં તળી લો.
તૈયાર વડીને લીલી ફરાળી ચટણી સાથે પીરસો.



