થોડા અલગ પ્રકારની રીતના ડાયેટ ફ્રેન્ડલી દૂધીના મુઠીયા સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ દૂધી 300 ગ્રામ, કાંદો 1, ચણાની દાળ 1 ટી.સ્પૂન, અળદની દાળ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, તેલ 1 ટે.સ્પૂન, તીખાં લીલા મરચાં 2-3, લસણ 4-5 કળી, રાઈ ½ ટી.સ્પૂન,, જીરૂ ½ ટી.સ્પૂન, આદુનો ટુકડો 1 ઈંચ, હળદર ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, સાંભાર મસાલો 1 ટી.સ્પૂન, ચણાનો લોટ 2 ટે.સ્પૂન, જુવારનો લોટ 2 ટે.સ્પૂન, બાજરીનો લોટ 1 કપ,
વઘાર માટેઃ તેલ 1 ટે.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ
રીતઃ દૂધીને છોલીને ટુકડા કરીને મિક્સીમાં પીસી લો.
એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરૂનો વઘાર કરી લીધા બાદ અડદ તેમજ ચણાની દાળ સાંતળી લો. ત્યારબાદ આદુ-લસણ-મરચાંને ઝીણાં સમારીને તેમાં ઉમેરી દીધા બાદ કાંદો પણ ઝીણો સમારીને ઉમેરી દો. કાંદો નરમ થાય એટલે તેમાં દૂધીની પેસ્ટ મેળવીને સાંતળી લો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, હીંગ, ધાણાજીરૂ, મરચું તેમજ હળદર અને સાંભાર મસાલો પણ મેળવી દો.
હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી દો. પાણી ઉકળવા માંડે એટલે તેમાં અનુક્રમે જુવારનો લોટ, ચણાનો લોટ તેમજ અડધો કપ બાજરીનો લોટ ગઠ્ઠા ના થાય તે રીતે મેળવી દો. લોટ બંધાય તે રીતે બાજરીનો લોટ ઓછો કે વધુ ઉમેરવો.
જેવો લોટની જેમ બંધાય જાય એટલે ગેસ બંધ કરીને મિશ્રણને સહેજ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાંથી નાના ગોળા વાળી લો. અને મુઠીયાને 5-7 મિનિટ માટે બાફવા મૂકો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી લીધા બાદ તેમાં સફેદ તલ ઉમેરીને મુઠીયા તેમાં વઘારી લો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.
આ મુઠીયા ચા કે લીલી ચટણી સાથે પીરસો.





