દહીં પાપડનું શાક

ટમેટાં તો આપણા બજેટમાં ન પરવડે એટલા મોંઘા થઈ ગયા છે, શાક પણ નથી મળી રહ્યાં. તો કોઈપણ લીલાં શાક અને ટમેટાં વિના ઘરમાં રોટલી તેમજ ભાત સાથે સ્વાદિષ્ટ પાપડનું શાક બની શકે છે! તો જાણી લો રેસિપી!

સામગ્રીઃ

  • અડદના પાપડ 4-5 નંગ
  • દહીં 1 કપ
  • લીલાં મરચાં 3-4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • હીંગ ચપટી
  • સૂકા લાલ મરચાં 1-2
  • તેલ
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1-2 ટી.સ્પૂન
  • હળદર પાવડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • ચણાનો લોટ 1 ટી.સ્પૂન,
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા ધોઈને સમારેલાં 1 ટે.સ્પૂન

રીતઃ 1 કપ દહીંને ફેંટી લેવું અને તેમાં બધા સૂકા મસાલાઃ લાલ મરચાં પાવડર, હળદર પાવડર તેમજ ધાણાજીરૂ અને થોડું મીઠું મેળવી દો. (પાપડમાં મીઠું હોવાથી મીઠું થોડું ઓછું નાખવું.).

પાપડને તવામાં શેકી લેવા.

એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડાવો. ત્યારબાદ તેમાં હીંગ નાખી લાલ મરચાં નાખી દો. હવે સુધારેલા લીલા મરચાં ઉમેરીને ખમણેલું આદુ મેળવી દો. 2 મિનિટ સાંતળીને તેમાં 1 ટી.સ્પૂન ચણાનો લોટ મેળવીને તરત જ મસાલા મેળવેલું દહીં નાખીને ચમચા વડે તરત ચલાવતા રહો, જેથી દહીં ફાટે નહીં. 4-5 મિનિટ સાંતળી લીધા બાદ તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં 2 કપ જેટલું પાણી મેળવીને ઉકાળો. ત્યારબાદ તેમાં પાપડના 1 ઈંચ જેટલા ટુકડા કરીને મેળવી દો. 2-3 મિનિટ બાદ પાપડ નરમ થવા માંડે એટલે સુધારેલી કોથમીર ભભરાવીને ગેસ બંદ કરી દો. પાપડનું શાક તૈયાર છે.