દહીં સેન્ડવિચ

આ સેન્ડવિચ નાસ્તા માટે સારી છે. પણ બાળકોને વેરાયટી જોઈતી હોય છે. તો દહીં સેન્ડવિચ ડિનરમાં પણ આપી શકો છો. કારણ કે, દહીં તેમજ વેજીટેબલ્સને કારણે તે ઘણી પૌષ્ટિક રહે છે!

સામગ્રીઃ

  • દહીં ½ કિલો
  • કાંદો 1
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • વટાણા 2 ટે.સ્પૂન
  • સમારેલી ફણસી 2 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • લીલા મરચાં 3-4
  • પિઝા સિઝનિંગ 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • બ્રેડ
  • માખણ

રીતઃ દહીંને એક મલમલના અથવા ચોખ્ખાં સુતરાઉ કપડામાં લઈને તેમાંનું પાણી નિતારી લો. હવે દહીંને આ કપડાંમાં બાંધીને સ્ટીલની ચાળણીમાં મૂકી દો. તેની ઉપર વજન મૂકીને આ ચાળણી એક બીજા વાસણમાં કોઈ સ્ટેન્ડ ઉપર મૂકી 4-5 કલાક માટે આ વાસણ ફ્રીજમાં રાખો. જેથી દહીંમાંનું પાણી નિતરી જાય અને ફ્રીજમાં રાખ્યું હોવાથી દહીં ખાટું પણ ન થાય.

કાંદો, સિમલા મરચું ઝીણું સમારી લો. ફણસી સમારીને તે તેમજ વટાણાને બાફી લો. ગાજર ખમણી લો. લીલા મરચાં ઝીણાં સમારી લો.

ફ્રીજમાંથી દહીં કાઢી એક વાસણમાં લઈ તેમાં સમારેલાં, બાફેલા બધાં શાક તથા કોથમીર મેળવી દો. તેમજ સૂકા મસાલા પણ મેળવી દો.

બે બ્રેડ લઈ તેની એક સાઈડ તવા ઉપર ગેસની મધ્યમ આંચે શેકી લો.

શેક્યા વગરની બ્રેડની સાઈડ ઉપર દહીંનું મિશ્રણ લગાડી, તેની ઉપર બીજી બ્રેડ ઉંધી વાળી દો. આ બ્રેડને ગેસની મધ્યમ આંચે તવા ઉપર 1 ચમચી માખણ લગાડી શેકવા મૂકો. એક સાઈડ શેકાય એટલે બીજી બાજુ પણ માખણ લગાડી શેકી લો. આ જ રીતે બાકીની બ્રેડની પણ સેન્ડવિચ તૈયાર કરી લો.

3-4 મિનિટમાં બ્રેડ શેકાઈ જાય એટલે નીચે ઉતારી તેના ચપ્પૂ વડે ટુકડા કરીને ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે દહીં સેન્ડવિચ પીરસો.