ક્રિસ્પી કાંદા-બટેટા બોન્ડા

રજાના દિવસે સાંજે ચા સાથે નાસ્તામાં જો ગરમાગરમ ક્રિસ્પી કાંદા-બટેટાના પકોડા ખાવા મળી જાય તો જલસો થઈ જાય!

સામગ્રીઃ

  • કાંદા 4
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી ¼ કપ
  • ચોખાનો લોટ 4 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 3 ટે.સ્પૂન
  • આમચૂર પાઉડર અથવા ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • મેંદો 4 ટે.સ્પૂન

બટેટાના મિશ્રણ માટેઃ બાફેલા બટેટા 4, પિઝા સિઝનિંગ 2 ટી.સ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, ઓરેગાનો ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, કોથમીર ધોઈને સમારેલી  ¼ કપ, ચીઝ ક્યુબ 2, પનીર 1 કપ

રીતઃ કાંદાને લાંબી પાતળી ચીરીમાં સમારી લો. આ ડુંગળીની ચીરી છૂટ્ટી કરીને લચ્છા તૈયાર કરી લો. એક મોટા બાઉલમાં આ કાંદાના લચ્છા લઈ તેમાં હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, અજમો, સમારેલી  કોથમીર તેમજ ચોખા અને ચણાનો લોટ મેળવીને થોડીવાર માટે રહેવા દો. તેમાં અગાઉથી મીઠું નહીં ઉમેરવું. કારણ કે, કાંદા એકદમ નરમ થઈ જશે. કાંદામાંથી પાણી છૂટતું હોવાથી પાણી પણ ઉમેરવું નહીં.

બટેટાનું મિશ્રણ તૈયાર કરવા માટે બટેટાને ખમણી લો અથવા છૂંદો એ રીતે કરો કે તેમાં ગઠ્ઠા ના રહે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સમારેલી  કોથમીર મેળવો.

ચીઝ ખમણીને તેમાં પનીરના નાના ઝીણાં ચોરસ ટુકડા કરીને મેળવી દો.

બટેટાના મિશ્રણમાંથી ગોળો વાળીને હાથેથી થાપીને પુરી આકાર આપો. તેમાં ચીઝ અને પનીરનું મિશ્રણ થોડું ઉમેરીને ગોળો વાળી લો.

મેંદાને એક બાઉલમાં લઈ તેમાં અડધો કપ જેટલું પાણી મેળવીને સ્લરી બનાવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

કાંદાના મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બટેટાનો ગોળો લઈ તેને મેંદાની સ્લરીમાં બોળીને  કાંદાના મિશ્રણમાં રગદોળીને હાથેથી બોલને ફરીથી ગોળાકાર આપીને બોન્ડા તૈયાર કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ રાખીને બોન્ડા તળી લો.