ક્રિસ્પી કોર્ન

કોર્નનો નાસ્તો બાળકોને હરહંમેશ પ્રિય હોય છે. જો આ જ સ્વીટ કોર્ન તળવામાં આવે અને ચટપટા મસાલાવાળા ક્રિસ્પી બનાવવામાં આવે તો બાળકો હંમેશા આ જ નાસ્તો માંગશે!  વળી, આ નાસ્તો બની જાય છે ઈન્સ્ટન્ટ!

સામગ્રીઃ

  • સ્વીટ કોર્ન 2 કપ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • મેંદો 2 ટે.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • કાંદો 1
  • લીલા મરચાં 1-2
  • સિમલા મરચું 1
  • ટામેટું 1
  • તેલ તળવા માટે

રીતઃ એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી મીઠું નાખીને ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં મકાઈના દાણા નાખીને 2 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને પાણી ગાળીને કોર્ન કોરા કરી લો.

એક બાઉલમાં મેંદો, ચોખાનો લોટ, કોર્નફ્લોર, કાળા મરી પાઉડર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું મેળવીને તેમાં કોરા કરેલા મકાઈના દાણા રોળવી લો. આ મિશ્રણને પ્લાસ્ટીકની બારીક ચાળણીમાં થોડું ચારવીને એક પ્લેટમાં કાઢી લો. જેથી તેમાં લાગેલો વધારેનો લોટ નીકળી જાય.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. આ તેલમાં મકાઈના દાણા હળવેથી ઉમેરી દો અને ઝારાથી હળવે હળવે ચારવતા રહો. જો મકાઈના દાણા ફૂટવા લાગે તો ગેસની આચં ધીમી કરીને કઢાઈ ઢાંકીને 3-4 મિનિટ રહેવા દો. ત્યારબાદ સાચવીને ઝારા વડે તળાઈ ગયેલા કોર્ન એક કિચન પેપર ઉપર કાઢી લો. જેથી વધારેનું તેલ નિતરી જાય.

આ કોર્નને એક પ્લેટમાં કાઢી લઈ તેની ઉપર ચાટ મસાલો, કાશ્મીરી મરચાં પાઉડર, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું મેળવી દો. ત્યારબાદ ઉપરથી ઝીણા સમારેલાં કાંદા, લીલા મરચાં, સિમલા મરચું તેમજ કોથમીર ભભરાવીને આ ક્રિસ્પી કોર્નની તૈયાર પ્લેટ પીરસો.