ચીઝી ક્રિસ્પી પોટેટો સ્ટીક્સ્

બટેટા અને ચીઝની વાનગી સ્વાદિષ્ટ જ બને છે! આ વાનગી બાળકોને તો બહુ જ ભાવશે, પરંતુ મોટેરાંને પણ એનો સ્વાદ દાઢે વળગશે. જો જો એકવાર બનાવશો તો તમને પણ વારંવાર બનાવવાનું મન થશે. કારણ કે, આ વાનગી બનાવવી બહુ જ સહેલી છે!

સામગ્રીઃ

  • મોટી સાઈઝના બટેટા 3,
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
  • મોઝરેલા ચીઝ 1 કપ (100 ગ્રામ)
  • લસણની કળી 7-8
  • કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન
  • લીલા મરચાં 2 ઝીણાં સમારેલાં
  • કોર્નફ્લોર 5 ટે.સ્પૂન તેમજ બીજો 3 ટે.સ્પૂન

રીતઃ બટેટાને છોલીની ધોઈને 2-3 ટુકડામાં કટ કરીને એક તપેલીમાં ડૂબતું પાણી રાખીને તેમાં 1 ચમચી મીઠું નાખીને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે બફાવા દો.

બટેટા બફાઈ જાય એટલે તેમાંનું પાણી નિતારી લો. આ બટેટાને એક ચમચી વડે મેશ કરી લો. અને ચાળણીમાં ચાળી લો. જેથી તેમાં લમ્પ્સ્ ના રહે. લસણની કળીઓ ખમણીને બટેટામાં ઉમેરી દો. કોથમીર સમારેલી મેળવી દો. ચીઝને પણ ખમણીને ઉમેરો. સ્વાદ મુજબ મીઠું મેળવો. હવે તેમાં કોર્નફ્લોર મેળવીને હાથેથી જ લોટ બાંધતાં હોય તે રીતે મિશ્રણને સરખું મિક્સ કરો.

મિશ્રણના બે ભાગ કરી લો. પાટલા ઉપર કોર્નફ્લોર ભભરાવીને મિશ્રણના એક ભાગનો ગોળો તેની ઉપર મૂકીને વેલણ વડે રોટલો વણી લો. રોટલાની જાડાઈ ½ સે.મી. જેટલી હોવી જોઈએ. (જો રોટલો વણતા ન ફાવે તો તેને એક પ્લાસ્ટીક ઉપર મૂકીને ઉપર બીજું પ્લાસ્ટીક પાથરીને રોટલો વણી શકાય) એક ચપ્પૂ વડે ચારે બાજુએથી કટ કરીને રોટલાનો આકાર ચોરસ કરી દો. હવે  આ રોટલામાંથી ચપ્પૂ વડે 1 સે.મી.ની પહોળાઈવાળી લાંબી પટ્ટીઓ કટ કરી લો.

હવે એક ફ્રાઈ પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ ચીઝી પટ્ટીઓ હળવેથી એક એક ઉપાડીને તેલમાં તળવા મૂકો. ક્રિસ્પી પટ્ટીઓને સોનેરી રંગની તળી લો.

આ ચીઝી ક્રિસ્પી પોટેટો સ્ટીક્સ્ ટોમેટો કેચ-અપ સાથે સારી લાગશે. પણ તેના વગર પણ બહુ જ સ્વાદિષ્ટ લાગશે!