ચીઝ-પાલક-ગાર્લિક પરોઠા

શિયાળામાં શાક માર્કેટમાં ચારેકોર લીલાં શાક જોઈને ન ભાવતાં શાક હોય તો પણ ખાવાનું મન થઈ જાય! જો કે, સારાં સ્વાસ્થ્ય માટે શાક ખાવાં જરૂરી છે! લીલાં શાકની જેમ લીલાં રંગના પરોઠા તે પણ યમ્મી, હેલ્ધી હોય, જે પિઝા જેવાં સ્વાદિષ્ટ હોય તો કેવું રહેશે?  તો જાણી લો, નવા પ્રકારનાં પરોઠા બનાવવાની રીત!!!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 કપ
  • પાલકના પાન ધોયેલા 2 કપ
  • અજમો 1 ટી.સ્પૂન
  • 2 લીલા મરચાં
  • આદુનો ટુકડો 1 ઈંચ

પૂરણ માટેઃ

  • લીલા મરચાં 2-3
  • સિમલા મરચું ઝીણું સમારેલું ½ કપ
  • લીલું લસણ ધોઈને ઝીણું સમારેલું ½ કપ
  • કોથમીર ધોઈને ઝીણી સમારેલી ½ કપ
  • પિઝા સિઝનિંગ 2 ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાવડર ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • પિઝા ચીઝ અથવા મોઝરેલા ચીઝ 1 કપ
  • ઘી પરોઠા શેકવા માટે
  • પનીર ખમણેલું ½ કપ

રીતઃ 3-4 કપ પાણી એક બાઉલમાં ઉકળવા મૂકવું. પાલકના પાનને 2-3 પાણીએથી ધોઈને આ ઉકળતાં પાણીમાં 2-3 મિનિટ માટે ઉકાળીને તરત પાણીમાંથી કાઢીને બીજા બાઉલમાં મૂકી દેવા. ફ્રીજમાંનું ઠંડું પાણી આ પાન પર રેડી તેને ઠંડા કરી લઈ, પાણી નિતારીને મિક્સીમાં નાખી સાથે 2 લીલાં મરચાં તેમજ આદુનો ટુકડો પણ સમારીને, ઉમેરીને પીસી લેવા.

એક મોટા બાઉલમાં પાલકની પ્યુરી ઉમેરી દો. તેમાં ઘઉંનો લોટ, અજમો તેમજ સ્વાદ મુજબ અંદાજે ½ ટી.સ્પૂન મીઠું ઉમેરી દો. લોટને પાણી નાખ્યા વિના બાંધો. જો જરૂર લાગે તો મિક્સીમાં થોડું પાણી લઈ લોટ માટે જરૂરી તેટલું ઉમેરીને લોટ બાંધી દો. લોટને ઢાંકીને 10 મિનિટ માટે રાખી મૂકો.

એક વાસણમાં લીલાં મરચાં ઝીણાં સમારી લો. તેમાં ઝીણાં સમારેલાં સિમલાં મરચું, લીલું લસણ, કોથમીર લઈ લો. તેમાં ચીઝ, કાળાં મરી પાવડર, પિઝા સિઝનિંગ, ચિલી ફ્લેક્સ, ચાટ મસાલો તેમજ ખમણેલું પનીર પણ ઉમેરી દો. મોઝરેલા ચીઝ ઉમેરી દો. જો તે ન હોય તો ચીઝ ક્યૂબને ખમણીને ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. એક ચમચી વડે આ મિશ્રણ મિક્સ કરી લો.

લોટમાંથી મોટો લૂવો લઈ તેને ગોળ વણી લો. હવે તેમાં પૂરણમાંથી 2-3 ટે.સ્પૂન પૂરણ વચ્ચે મૂકીને પરોઠાની બે સામસામી બાજુએથી વાળીને ચોરસ આકાર આપીને કિનારીઓ સરખી દાબીને બંધ કરી દો. હવે સ્ટફિંગ ભરેલો લૂવો વેલણથી હળવે હળવે સીધી બાજુએથી થોડો થોડો વણી લો. જેથી તેનો ચોરસ આકાર જળવાઈ રહે.

ગેસ પર નોનસ્ટીક અથવા લોખંડનો તવો મૂકો. તવો ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને વણેલું પરોઠું હળવેથી તવા પર મૂકી દો. એકબાજુ 1 મિનિટ શેકાય એટલે ઉથલાવીને બીજી બાજુએથી થોડું વધારે વાર શેકી લો. ત્યારબાદ ઘી રેડીને ફરી ઉથલાવીને શેકી લો. આ પરોઠું બંને બાજુએ ગોલ્ડન રંગનું શેકી લેવું. આ જ રીતે બધા પરોઠા તૈયાર કરીને ટોમેટો કેચ-અપ સાથે ગરમાગરમ પીરસો.