દિવાળી સ્પેશ્યલ રેસિપી
ચક્ર વડા
સામગ્રીઃ અળદ દાળ 1 કપ, કાંદા 1, આદુ 1 ઈંચ, જીરુ 1 ટી.સ્પૂન, લીલાં મરચાં 2-3, ચપટી હીંગ, આખા ધાણા 1 ટી.સ્પૂન, તળવા માટે તેલ
દહીંમાં ઉમેરવા માટેની સામગ્રીઃ કાંદા 1, આદુ 1 ઈંચ, દહીં 2 કપ, શેકેલો જીરા પાઉડર 2 ટી.સ્પૂન, મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લીલાં મરચાં 1-2, કોથમીર ધોઈને સમારેલી 1 કપ
રીતઃ અળદ દાળને ધોઈને 4-5 કલાક માટે પાણીમાં ભીંજવી દો. ત્યારબાદ તેને મિક્સીમાં બારીક પીસી દો. હવે તેમાં 1 કાંદો ઝીણો સમારી ઉમેરો. આદુ ખમણીને તેમજ મરચાંને બારીક સુધારીને ઉમેરો.આખા ધાણાને અધકચરા વાટીને ઉમેરી દો. ચપટા હીંગ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને એક કળછી વડે મિશ્રણને એકસરખું હલાવો. જ્યાં સુધી ખીરું ફૂલીને થોડું ઉપર આવે.
એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને વડા તળી લો. વડા તળી લીધા બાદ તેને તપેલીના ગરમ પાણીમાં પલાળી દો. દરમ્યાન દહીંને ફેંટી લો અને તેમાં 1 કાંદો ઝીણો સમારેલો, લીલા મરચાં ઝીણાં સમારેલાં, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને મિક્સ કરી લો. હવે વડાને પાણીમાંથી બહાર કાઢીને બંને હાથેથી દાબીને પાણી નિતારી લો અને એક પ્લેટમાં મૂકીને ઉપર મસાલાવાળું દહીં રેડી દો. હવે તેની ઉપર શેકેલો જીરા પાઉડર, મરચાં પાઉડર તેમજ ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને ચક્ર વડાની પ્લેટ પીરસો.
(રીના મોહનોત)
(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા! જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)