દિવાળી સ્પેશ્યલ રેસિપી
ચાટ બોર્ડ
ચાટ બોર્ડ એ કોઈપણ પાર્ટીની શાન છે. ચાટ પહેલાંથી બનાવી દેવામાં આવે તો તે નરમ થઈ જાય છે. ઉપરાંત દરેકની પસંદગી અલગ હોય છે. ત્યારે પાર્ટીમાં આ પ્રકારનું ચાટ બોર્ડ દરેકને પસંદ પડે એવો ચાટ માટેનો સૌથી મજેદાર અને સ્વાદિષ્ટ વિકલ્પ છે.
સામગ્રીઃ કટોરી ચાટ પુરી, પાણી નિતારેલું દહીં, કાંદો 1, ટામેટું 1, મગ, ચણા, કાકડી, લસણની ચટણી, કોથમીર-ફુદીનાની ચટણી, ગળી ચટણી, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, જીરુ પાઉડર 1 ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ઝીણી સેવ તેમજ દાડમના દાણા સજાવટ માટે
રીતઃ મગ અને ચણાને અલગ અલગ ધોઈને પાણીમાં 4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ મગ અને ચણા બાફી લેવા. કાંદા અને ટામેટાં ઝીણાં સમારી લેવા.
એક મોટી અને થોડી ઉંડી પ્લેટમાં પાણી નિતારેલું દહીં પાથરી દો. તેની ઉપર ઝીણાં સમારેલાં કાંદા, કાકડી, ટામેટાં તેમજ બાફેલાં ચણા અને મગ પાથરી દો. ફરીથી દહીંની ઉપર લેયર પાથરી દો. ત્યારબાદ ફરતે ઉપર લસણની ચટણી, આમલીની ગળી ચટણી, લીલી તીખી ચટણી પાથરીને ઉપર થોડું થોડું મીઠું, લાલ મરચાં પાઉડર, જીરુ પાઉડર, ચાટ મસાલો ભભરાવીને ઝીણી સેવ તેમજ દાડમના દાણા વડે ડેકોરેટ કરી દો. આ પ્લેટની ફરતે કટોરી ચાટ પુરી ગોઠવી દો એટલે ચાટ બોર્ડ તૈયાર છે.
(રીના મોહનોત)
(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા! જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)