કોઈકવાર ઘરમાં શાક ઉપલબ્ધ હોય પણ વધુ કળાકૂટ ના કરવી હોય તો, પૂરણ ભર્યા વિનાના પરોઠા બનાવી શકાય છે!

સામગ્રીઃ
- કોબી 300 ગ્રામ
- નાનું સિમલા મરચું 1
- ગાજર અડધું
- બાફેલા મકાઈના દાણા ½ કપ
- ધોઈને સમારેલી કોથમીર 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- આરાલોટ (તપકીરનો લોટ) ½ કપ (અથવા ઘઉંનો લોટ)
- ચણાનો લોટ ½ કપ
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
- હીંગ 2 ચપટી
- આમચૂર અથવા ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- આદુ-મરચાની પેસ્ટ 1 ટી.સ્પૂન
રીતઃ કોબીને મિક્સીમાં પલ્સ મોડ પર ઝીણી સમારી લેવી. ગાજર, સિમલા મરચાંને પણ બારીક કરી લેવા.
બધાં ક્રશ કરેલા શાક એક વાસણમાં લઈ તેમાં બાફેલા મકાઈના દાણા, સમારેલી કોથમીર, કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આરાલોટ, ચણાનો લોટ, લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, હીંગ, આમચૂર પાઉડર, આદુ-મરચાની પેસ્ટ મેળવીને નરમ લોટ બાંધી લો.
નોનસ્ટીક કે લોખંડનો તવો ગરમ કરીને ગેસની આંચ ધીમી કરી લો. હવે લોટમાંથી રોટલીના લૂવા કરતાં મોટો લૂવો લઈ તેને તવા ઉપર ગોઠવીને હાથ વડે થાપીને રોટલો બનાવી લો. (એ રીતે ન ફાવે તો પાટલા ઉપર પ્લાસ્ટીક લઈ તેની ઉપર રોટલો થાપીને તવા ઉપર હળવેથી મૂકીને શેકી લો.) 1-2 મિનિટ શેકાયા બાદ તવેથા વડે ઉથલાવીને બીજી બાજુ પણ શેકી લો. ઉથલાવતી વખતે ફરતે તેલ કે ઘી ચમચી વડે રેડી દો. આ જ રીતે બધા પરોઠાં શેકીને તૈયાર કરી લો.
તૈયાર પરોઠા વઘારેલા દહીં, રાઈતા કે લીલી ચટણી સાથે પીરસો.



