બ્રેડ અને છાશ વડે બનતા આ ઈન્સ્ટન્ટ વડા દાળિયાની ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ દહીં 1 કપ, બ્રેડ 2, બારીક રવો 1 કપ, સ્વાદ મુજબ મીઠું, ચોખાનો લોટ ½-1 કપ, સાંભાર મસાલો 1 ટી.સ્પૂન, વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, લીલા મરચાં 2-3, કળી પત્તાના પાન 8-10, સૂકું લાલ મરચું 1
ચટણી માટેઃ દાળિયા અથવા શેકેલી ચણાની દાળ 2 ટે.સ્પૂન, શેકેલા શીંગદાણા 2 ટે.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, લીલા મરચાં 2, આદુનો ટુકડો 1 ઈંચ, ચટણીના વઘાર માટેઃ રાઈ 1 ટી.સ્પૂન,, સૂકું લાલ મરચું 1, કળીપત્તાના પાન 7-8
રીતઃ દહીંને ફેંટીને તેમાં એટલા જ માપ પ્રમાણે પાણી મેળવીને મિક્સ કરી દો. હવે તેમાં બ્રેડના ટુકડા કરીને ઉમેરી દો.
મિક્સીમાં લીલા મરચાં તેમજ આદુના ટુકડા કરીને નાખો, ત્યારબાદ તેમાં દાળિયા, શીંગદાણા તેમજ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું મેળવીને બારીક ચટણી પીસી લો. હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કર્યા બાદ સૂકું લાલ મરચું તેમજ કળી પત્તાના પાન ઉમેરીને 1 મિનિટ રહેવા દીધા બાદ આ વઘાર ચટણીમાં મેળવી દો. ગેસ બંધ કરીને, ચટણી ઢાંકીને એક બાજુએ મૂકી દો.
ભીંજવેલી બ્રેડને મિક્સીમાં નાખીને તેમાં રવો, આદુ તેમજ મરચાંના ટુકડા, સ્વાદ મુજબ મીઠું મેળવીને મિક્સીમાં પીસી લો. આ પેસ્ટને એક બાઉલમાં લઈ, તેમાં સમારેલું સિમલા મરચું, ગાજર તેમજ સમારેલી કોથમીર અને ઈનો પાઉડર મેળવો. હવે તેમાં થોડો થોડો ચોખાનો લોટ મેળવતા જઈને રોટલીના લોટ જેવો પણ થોડો વધુ નરમ લોટ બાંધી લો. હાથને તેલવાળા કરીને આ લોટમાંથી લીંબુના આકારના ચપટા ગોળા વાળી લો.
એક મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરો. સ્ટીલની ચાળણીમાં તેલ લગાડીને બ્રેડના ગોળા તેમાં ગોઠવી દો. વાસણ ઢાંકીને ગેસની મધ્યમ આંચે 10-15 મિનિટ ગરમ કરીને બ્રેડ વડા બાફી લો.
એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી લીધા બાદ તેમાં સફેદ તલ, સમારેલાં લીલા મરચાં અને સમારેલાં કળી પત્તાના પાન ઉમેરીને બાફેલા બ્રેડના વડા તેમાં સાંતળી લો એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરીને થોડી કોથમીર ભભરાવીને દાળિયાની તૈયાર કરેલી ચટણી સાથે વડા પીરસો.



