દૂધીનું નામ સાંભળતાં જ મોટાભાગના લોકોનું નાક ચઢી જાય છે! બચ્ચાંઓને પણ ન જ ભાવે વળી! પણ, થોડું મોર્ડન નામ આપીને આ જ દૂધીનો ટેસ્ટફુલ નાસ્તો બનાવી આપો. તો, કદાચ કામ બની જાય! કારણ કે, દૂધી ખાવામાં સ્વાસ્થ્યપ્રદ છે!
સામગ્રીઃ
- રવો 1 કપ
- દહીં 3/4 કપ
- ગાજર 1
- દૂધી 200 ગ્રામ
- સિમલા મરચું 1 નાનું
- કાંદો 1 (optional)
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- મરી પાઉડર ½ ટી.સ્પૂન
- આદુ મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- લીંબુનો રસ 1 ટી.સ્પૂન
- ઈનો ફ્રુટ સોલ્ટ ½ ટી.સ્પૂન
રીતઃ એક બાઉલમાં દહીં તેમજ રવો મેળવી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરુ તૈયાર કરીને 10 મિનિટ માટે રાખી દો.
બીજા વાસણમાં દૂધી તેમજ ગાજર ખમણી લો. 10 મિનિટ બાદ રવા અને દહીંના મિશ્રણમાં ખમણેલાં ગાજર, દૂધી, ઝીણાં સમારેલાં કાંદા, સિમલા મરચું ઉમેરો. ત્યારબાદ આદુ-મરચાંની પેસ્ટ, મરી પાઉડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને કોથમીર પણ મેળવી દો. ખીરું બહુ ઘટ્ટ પણ ના હોવું જોઈએ કે ઢીલું પણ ના હોય. દૂધી રોસ્ટી બનાવતી વખતે તેમાં ઈનો ઉમેરી દો.
એક ફ્રાઈ પેન અથવા કઢાઈમાં ½ ટી.સ્પૂન તેલ ઉમેરીને ગરમ થાય એટલે તલ ઉમેરીને 1-2 કળછી દૂધીનું ખીરું રેડીને પેન ઢાંકીને ગેસની ધીમી આંચે 2 મિનિટ થવા દો. ત્યારબાદ રોસ્ટી તવાથી ઉથલાવીને ઉપર ½ ટી.સ્પૂન જેટલું તેલ નાખીને ઢાંકણ ઢાંકીને ફરીથી 2 મિનિટ થવા દો.
આ જ રીતે બધી રોસ્ટી તૈયાર કરી લો અને ટોમેટો કેચ-અપ અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસો.