બટેટાની સબ્જી ઘણી બધી વેરાયટીવાળી બની શકે છે. તેમાં જો ધાબા સ્ટાઈલ આલૂ ભૂના મસાલા સબ્જી બનાવો તો આ સબ્જી ઘરમાં બધાને માટે ઘણી જ સ્પેશિયલ બની શકે છે!
સામગ્રીઃ
- કાંદા 2
- ટામેટાં 3-4
- કસૂરી મેથી 1 ટી.સ્પૂન
- કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- તીખું લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન
- તેલ વઘાર માટે
- દહીં 1 કપ
- જીરૂ ½ ટી.સ્પૂન
- લસણની કળી 6-7
- આદુ 2 ઈંચ
- લીલા મરચાં 2-3
બટેટાના વઘાર માટેઃ
- બાફેલા બટેટા 4-5
- સિમલા મરચું 1
- કાંદા 2
- કસૂરી મેથી 1 ટી.સ્પૂન
- લીલા મરચાં 2
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન
રીતઃ કાંદાને ઝીણાં સમારી લો. ટામેટાંની પ્યૂરી બનાવી લો.
એક બાઉલમાં દહીં વલોવી, તેમાં કાશ્મીરી મરચાં પાઉડર, તીખું લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર, જીરૂ પાઉડર મેળવીને એકબાજુએ રાખો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવો. સમારેલાં કાંદાને ગેસની મધ્યમ આંચે સોનેરી રંગના સાંતળી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરો સાથે આદુ-લસણ પણ ઝીણાં સમારીને ઉમેરો. થોડું સાંતળી લીધા બાદ મસાલા મેળવેલું દહીં ઉમેરીને ગેસની મધ્યમ આંચે તેલ છૂટું પડે ત્યાં સુધી 15-20 મિનિટ સુધી મસાલા શેકાવા દો. ત્યારબાદ ટામેટાંની પ્યુરી ઉમેરીને ફરીથી 15 મિનિટ જેટલું સાંતળી લો. હવે તેમાં ગરમ મસાલો તેમજ કસૂરી મેથી મેળવી દો. જો ગ્રેવી ઘટ્ટ થાય તો 1 કપ જેટલું પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ધીમી આંચે થવા દો.
બટેટાના વઘાર માટેઃ બીજા ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરીને તેમાં કાંદાને લાંબી ચીરીમાં સમારીને ઉમેરો તે જ રીતે સિમલા મરચાં પણ લાંબા ચીરીમાં સમારીને ઉમેરીને ગેસની તેજ આંચે 2-3 સાંતળો. હવે તેમાં બાફેલા બટેટાને ચોરસ ટુકડામાં સમારીને ઉમેરી દો. ત્યારબાદ ગરમ મસાલો, ચાટ મસાલો કસૂરી મેથી ઉમેરી દો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણ ટામેટાં મસાલાવાળી ગ્રેવીમાં ઉમેરી દો. જો શાક બહુ જ ઘટ્ટ હોય તો 1 કપ પાણી ઉમેરીને 2-3 મિનિટ ધીમી આંચે થવા દો.
સમારેલી કોથમીર ભભરાવીને આ શાક ગરમાગરમ ફુલકા રોટલી કે પરાઠા સાથે પીરસો. સાથે કાંદાનું સલાડ, તીખી લીલી ચટણી અને ચીલી ગાર્લિક સોસ હોય તો સ્વાદ વધી જશે.
